વિશ્વજગત હજી કોરોના મહામારીને ભૂલી શક્યું નથી. તેની અસરો હજી પણ માનવસૃષ્ટિ પર વર્તાઈ રહી છે તેવામાં દુનિયાના એક નહિ તો બીજા છેડે રોજબરોજ નવી બિમારી જન્મ લઈ રહી છે અને આ બિમારી ક્યારે મહામારીનું રૂપ લઈ લેશે તેની કોઇ ખબર નહી. હાલ અમદાવાદ સહિત ગુજરાત અને ભારતભરમાં Eye Conjunctivitisના અનેક કેસો બહાર આવી રહ્યાં છે ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં રેડ મીટ એલર્જીના કેસ વધી રહ્યા છે. આ રોગ લોન સ્ટાર ટિક (એક પ્રકારના કીડા)ના કરડવાથી થાય છે. આ કીડાનું વૈજ્ઞાનિક નામ Amblyoma americanum રાખવામાં આવ્યું છે. ત્યારે આ બિમારી થી ભારતમાં પણ ડરનો માહોલ છે, આ કીડો કરડ્યા બાદ વ્યક્તિ જો માંસ ખાય છે તો એલર્જી થાય છે. આ એલર્જી શરૂઆતમાં હળવી હોય છે, પરંતુ પછીથી સમસ્યા વધવા લાગે છે અને અંતે હોસ્પિટલાઈઝેશનની પણ નોબત આવે છે.
જંતુના કરડવાથી એલર્જી શા માટે થાય છે?
આલ્ફા-ગેલ જંતુના ડંખ પછી શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે શરીર તેની સામે લડવા માટે એન્ટિબોડીઝ બનાવે છે. પરંતુ જ્યારે વ્યક્તિ લાલ માંસ ખાય છે, ત્યારે આ એન્ટિબોડીઝ સક્રિય થઈ જાય છે અને ગંભીર એલર્જીનું કારણ બને છે. શરૂઆતમાં ત્વચા પર એલર્જી થાય છે અને સાથે-સાથે તાવ સહિતની અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.આમ આ બિમારીના લક્ષણો પણ અલગ પ્રકારના છે
રોગના લક્ષણો શું છે?
- ત્વચામાં ખંજવાળ
- સતત પેટમાં દુખાવો
- છીંક આવવી
- સતત વહેતું નાક
બચાવ કેવી રીતે કરવો ?
- ઘાસ અને છોડવાળા વિસ્તારોમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો
- ઘરની આસપાસ સ્વચ્છતા રાખો
- ઘરે જંતુનાશકનો ઉપયોગ કરો
- ફુલ સ્લીવ્ઝ કપડા પહેરો
- જંતુ કરડવાના કિસ્સામાં ડોક્ટરનો સંપર્ક કરો
ભારતમાં પણ ફેલાઈ શકે છે આ રોગ ?
તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકામાં અંદાજે 4,50,000થી વધુ લોકો આ બિમારી નો ભોગ બન્યા છે. મેડિકલ નિષ્ણાંતોના મતે લોન સ્ટાર ટિક ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. આ કીડો અમેરિકા અને મેક્સિકોમાં વધુ છે. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં આ એલર્જીના કેસ વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. આ એલર્જી ખતરનાક નથી, પરંતુ સમયસર લક્ષણો ઓળખવા જરૂરી છે. ભારતમાં આનાથી કોઈ ખતરો નથી.