ખાલિસ્તાન ચળવળના માસ્ટરમાઈન્ડ પન્નૂ સામે કેનેડાનું કૂણું વલણ, આતંકીઓ સામે એક્શનમાં કેનેડા ફરી ઉઘાડું પડ્યું

0
90
પન્નુ ટ્રુડો
પન્નુ ટ્રુડો

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં સમાધાનના હજુ સુધી કોઈ વાવડ નથી. કેનેડાએ જ્યાં હજુ ખાલિસ્તાની આતંકીઓ સામે કાર્યવાહી શરૂ નથી કરી, ત્યાં ભારત એ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે. કેનેડામાં ભારતીયોને ધમકી આપનાર અને ખાલિસ્તાની ચળવળ મા માસ્ટરમાઈન્ડ ગુરપતવંત સિંહ પન્નૂની ભારતમાં સંપત્તિ જપ્ત કરાઈ છે. તો આ તરફ ખાલિસ્તાની આતંકીઓને સમર્થનના મામલે ટ્રુડો સરકાર ફરી ઉઘાડી પડી છે. અમેરિકાએ પણ કેનેડાના વલણની ટીકા કરી છે. આતંકવાદના મુદ્દે કેનેડા સાથે દેશના સંબંધ તંગ બની જશે કે ભારત એ ક્યારેય વિચાર્યું નહતું. કેનેડા જેવો વિકસિત દેશ ખાલિસ્તાની આતંકીઓના સમર્થનમાં ભાન ભૂલી જશે, તે પણ અણધાર્યું છે. જો કે સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. 

નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીએ ખાલિસ્તાની આતંકી પન્નુની ચંદીગઢ અને અમૃતસર સ્થિત સંપત્તિ જપ્ત કરી છે. જેમાં તેમના પૈતૃક મકાન અને જમીનનો સમાવેશ થાય છે.

પન્નૂની સંપત્તિની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવાયું છે કે આ સંપતિ સરકારી સંપત્તિ છે. તેના પર હવે ગુરપતવંત સિંહ પન્નુનો કોઈ અધિકાર નથી. આ કાર્યવાહી પાછળ પન્નૂની દેશવિરોધી અને આતંકી હરકતો જવાબદાર છે.

પન્નૂ 2019થી NIAની રડાર પર છે. જ્યારે તેની સામે પહેલો કેસ નોંધાયો હતો. તેના પર પંજાબ સહિત દેશમાં અન્ય જગ્યાઓ પર લોકોને ધમકી આપવાનો તેમજ આતંકવાદી કૃત્યોમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. NIAની સ્પેશ્યલ કોર્ટે 2021માં તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઈેશ્યુ કર્યું હતું. પન્નૂનું પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટીસ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ખાલિસ્તાન ચળવળના નામે ભડકાવે છે અને આતંકવાદ તરફ દોરે છે. આ જ કારણ છે કે 2020માં ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

પાકિસ્તાન પાસેથી ફંડિંગ અને કેનેડા સરકાર પાસેથી રાજકીય સમર્થન મેળવીને પન્નૂ મુઠ્ઠીભર ખાલિસ્તાની સમર્થકોને ભારત અને ભારતીયો સામે ઉશ્કેરતો રહે છે, એ પણ જાહેરતમાં. છતા કેનેડા સરકાર ભારત સમક્ષ મૂલ્યોની વાત કરે છે. 

તો આ તરફ આતંકવાદને સમર્થનના મુદ્દે કેનેડાની ટ્રુડો સરકાર ફરી ખુલ્લી પડી છે. ભારતે પન્નૂ સહિતના કેટલાક ખાલિસ્તાનીઓની ડોઝિયર કોપી કેનેડાની સરકારને સોંપી હતી. જેમાં આતંકી હરદીપસિંહ નિજ્જરના અપરાધની પણ માહિતી હતી. તેમ છતા કેનેડાએ આ બંને આતંકીઓ સામે કોઈ કાર્યવાહી ન કરી. હરદીપસિંહ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી તેમજ અમેરિકાએ તેને નો ફ્લાય લિસ્ટમાં નાંખ્યો હતો, તેના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, તેમ છતા કેનેડા જાગ્યું નહીં. 

આ જ કારણ છે કે અમેરિકામાં પણ કેનેડાની આ નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠી રહ્યા છે. પેન્ટાગોનના પૂર્વ અધિકારી અને US એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના સીનિયર ફેલો માઈકલ રુબિને જસ્ટીન ટ્રુડોના વલણને વખોડ્યું છે. તેમણે કહ્યું છે કે ટ્રુડોએ પુરાવા વિના ભારત પર કરેલા આક્ષેપ ખોટાં છે.

અંગત રાજકીય લાભ માટે આતંકીઓને પંપાળતા જસ્ટીન ટ્રુડો જાણતા નથી કે તેઓ આતંકની આગ ભડકાવી રહ્યા છે. જે તેમના દેશના લોકોને જ ભારે પડશે. જો કે કેનેડાના લોકો ટ્રુડોની રાજરમત સમજી ગયા છે અને 2024ની ચૂંટણીમાં તેમને ઘરભેગા કરવાનું મન બનાવી લીધું છે.