Maharastra Politics News: મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. શનિવારે બપોરે 2 વાગ્યે તેમને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે એકમતથી પસંદ કરવામાં આવ્યા, જ્યારે સાંજે 5 વાગે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.
વિધાનભવન ખાતે યોજાયેલી NCP ધારાસભ્ય દળ અને વિધાનસભા સભ્યોની બેઠકમાં દિલીપ વાલસે પાટીલ દ્વારા સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી. પાર્ટીના નેતાઓએ તેમને પૂર્ણ સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા સુનેત્રા પવારે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ બારામતી નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું દુઃખદ નિધન થતાં નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી પડ્યું હતું.
Maharastra Politics News: 13 મહિના બાદ રાજભવનમાં ફરી શપથગ્રહણ સમારોહ

મહારાષ્ટ્રના રાજભવનમાં છેલ્લો શપથગ્રહણ સમારોહ 5 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયો હતો, જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારે શપથ લીધા હતા.
હવે 13 મહિના અને 26 દિવસ બાદ એ જ રાજભવનમાં ફરી શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં સુનેત્રા પવાર રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે ઈતિહાસ રચશે.
આ ઘટના માત્ર NCP માટે નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રની રાજનીતિમાં મહિલાઓના નેતૃત્વ માટે મહત્વપૂર્ણ પગથિયો ગણાઈ રહી છે.




