વર્ષ 2013માં છત્તીસગઢના બસ્તરમાં કોંગ્રેસના નેતાઓની હત્યાના મામલામાં NIA ને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું છે કે, માઓવાદી હુમલામાં મોટા રાજકીય ષડયંત્રના આરોપો પરનો કેસ ચાલુ રહેશે. 2020માં છત્તીસગઢ પોલીસ દ્વારા નોંધાયેલી નવી FIR સામે NIA ની અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલામાં હસ્તક્ષેપ નહીં કરીએ.
સુકમાની ખીરમ ઘાટીમાં 2013ના માઓવાદી હુમલાની તપાસ NIA દ્વારા હાથ ધરવામાં આવી હોવા છતાં, 27 કોંગ્રેસ નેતાઓના મૃત્યુની રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરાવવાના રાજ્ય સરકારના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. NIA 2013થી આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં 39 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમની સામે 2 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ હુમલો રમણ સિંહની તત્કાલીન સરકાર દરમિયાન થયો હતો અને માઓવાદીઓએ કોંગ્રેસના સમગ્ર રાજ્ય નેતૃત્વનો સફાયો કરી દીધો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર પટેલ, પૂર્વ વિપક્ષી નેતા મહેન્દ્ર કર્મા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યા ચરણ શુક્લા સહિત 29 લોકો 25 માર્ચ, 2013ના રોજ બસ્તર જિલ્લાના દરભા વિસ્તારની ખીરમ ઘાટીમાં નક્સલી હુમલામાં માર્યા ગયા હતા.
ખીરામ ઘટના એ વિશ્વ લોકશાહીનો સૌથી મોટો રાજકીય હત્યાકાંડ છેઃ બઘેલ
કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ” ખીરામની ઘટના પર માનનીય સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય છત્તીસગઢ માટે ન્યાયના દરવાજા ખોલવા જેવો છે. ખીરામની ઘટના વિશ્વની લોકશાહીમાં સૌથી મોટો રાજકીય હત્યાકાંડ હતો. આમાં અમે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત 32 લોકોને ગુમાવ્યા. NIA એ તેની તપાસ કરી, કમિશને પણ તેની તપાસ કરી પરંતુ, તેની પાછળના મોટા રાજકીય કાવતરાની તપાસ કોઈએ કરી નહીં.”