ઝારખંડમાં શિક્ષણ મંત્રીનું પદ સંભાળ્યા બાદ ધોરણ 12માં એડમિશન લેવાનાં લીધે સમાચારમાં રહેલા મંત્રી જગરનાથ મહતોનું નિધન થયું છે. તેઓ ઘણા મહિનાઓથી બીમાર હતા. ચેન્નાઈમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. તેમના મૃત્યુ બાદ રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ટાઈગર હવે નથી રહ્યો. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા જ તેમના ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. મહતોના નિધન પર મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના ટ્વિટર પેજ પર લખ્યું, ‘પૂરી ન શકાય તેવી ખોટ! આપણો ટાઈગર જગરનાથ દા હવે નથી! આજે ઝારખંડે તેનો એક મહાન આંદોલનકારી, લડાયક, મહેનતુ અને લોકપ્રિય નેતા ગુમાવ્યો છે. આદરણીય જગરનાથ મહતોજીનું ચેન્નાઈમાં સારવાર દરમિયાન નિધન થયું. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુ:ખની ઘડી સહન કરવાની શક્તિ આપે.