Hockey India: ભારતીય હોકીના વહીવટી ક્ષેત્રમાં મોટો વિવાદ સામે આવ્યો છે. હોકી ઇન્ડિયામાં આંતરિક વહીવટી ખેંચતાણ વચ્ચે સંસ્થાના ડાયરેક્ટર જનરલ આર.કે. શ્રીવાસ્તવની તમામ વહીવટી સત્તાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ અને ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની દિલીપ તિર્કી દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Hockey India: આઠ મુદ્દે કારણદર્શક નોટિસ

હોકી ઇન્ડિયા દ્વારા આર.કે. શ્રીવાસ્તવને પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસમાં કુલ આઠ ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં ભારતીય હોકી ટીમ માટે કેસરી જર્સી અપનાવવાનો કથિત એકતરફી નિર્ણય, સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ખેલાડીઓની કથિત ગેરવર્તણૂક સામે યોગ્ય કાર્યવાહી ન કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રમુખની સૂચનાની અવગણના કરીને વર્લ્ડ કપ માટે નેધરલેન્ડ્સ જવાનો મુદ્દો પણ નોટિસમાં ઉઠાવવામાં આવ્યો છે. તેમજ ICC અને POSH સંબંધિત રેકોર્ડ ઉપલબ્ધ ન હોવા અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે.
Hockey India: કાર્યકારી બોર્ડને અવગણ્યાનો આક્ષેપ

હોકી ઇન્ડિયાના મહત્વપૂર્ણ નીતિગત અને વહીવટી નિર્ણયો લેતી વખતે કાર્યકારી બોર્ડને વિશ્વાસમાં ન લેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સંસ્થાની આંતરિક પ્રક્રિયા અને નિર્ણય લેવાની પદ્ધતિ અંગે આ કાર્યવાહી બાદ અનેક સવાલો ઉભા થયા છે.
આર.કે. શ્રીવાસ્તવને તમામ જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવા સાથે ચાર અઠવાડિયામાં લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે હોકી પ્રશાસનમાં ચર્ચા તેજ બની છે. જોકે, નોટિસ અને સત્તા સ્થગિત કરવાની કાર્યવાહી અંગે આર.કે. શ્રીવાસ્તવ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ૧૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

