India Beat New Zealand: ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચાર વિકેટે રોમાંચક જીત મેળવી છે. 24 ઓક્ટોબર, 2026ના રોજ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડના 180 રનના સ્કોરનો પીછો કરતાં 19.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ જવાબદારી સંભાળીને ટીમને યાદગાર જીત અપાવી હતી.
India Beat New Zealand: ન્યૂઝીલેન્ડે બનાવ્યા 180 રન
મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆત અપેક્ષા પ્રમાણે રહી નહોતી અને ટીમે શરૂઆતની ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકોબ્સે ભારતીય બોલરો સામે મક્કમ બેટિંગ કરી હતી. બંને બેટર વચ્ચે ચોથી વિકેટ માટે 116 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.
ગ્લેન ફિલિપ્સે 43 બોલમાં 70 રનની આક્રમક ઇનિંગ રમી હતી. બીજી તરફ, બેવન જેકોબ્સે 46 બોલમાં 58 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ભારતીય બોલરોમાં અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રિન્સ યાદવ, ભુવનેશ્વર કુમાર અને નીતિશ કુમાર રેડ્ડીએ પણ એક-એક વિકેટ મેળવી હતી. ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન બનાવ્યા હતા.
India Beat New Zealand: ભારતીય બેટિંગની શરૂઆત મુશ્કેલ રહી
181 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડના બોલરોએ નિયમિત અંતરે વિકેટો મેળવીને ભારત પર દબાણ વધાર્યું હતું. ભારતીય ટીમે 70 રનના સ્કોર સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ નમન ધીરે ઉપયોગી બેટિંગ કરીને ટીમની આશા જીવંત રાખી હતી.
નમન ધીરે 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેની આક્રમક ઇનિંગમાં ત્રણ છગ્ગા સામેલ હતા. જોકે, 112 રનના સ્કોર પર ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યારે ટીમને જીતવા માટે અંતિમ પાંચ ઓવરમાં 68 રનની જરૂર હતી. આ સમયે મેચ ન્યૂઝીલેન્ડની તરફેણમાં જતી જણાતી હતી.
India Beat New Zealand: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ પલટ્યો ખેલ
મુશ્કેલ પરિસ્થિતિમાં તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. બંનેએ સાતમી વિકેટ માટે માત્ર 30 બોલમાં અણનમ 69 રનની ભાગીદારી નોંધાવી હતી. તિલક વર્માએ 26 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો.
બીજી તરફ, નીતિશ કુમાર રેડ્ડીએ માત્ર 13 બોલમાં અણનમ 26 રન બનાવીને તિલકને મજબૂત સાથ આપ્યો હતો. બંને બેટરોએ અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને રનનો જરૂરી દર જાળવી રાખ્યો હતો. નીતિશ રેડ્ડીએ અંતિમ ઓવરના પાંચમા બોલે બે રન દોડીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.
તિલક વર્માને તેના નિર્ણાયક પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

India Beat New Zealand: શ્રેણીમાં ભારતની સ્થિતિ મજબૂત
આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે. સતત બીજી જીતથી ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે. ખાસ કરીને દબાણની સ્થિતિમાં તિલક વર્મા અને નીતિશ રેડ્ડીએ જે સંયમ અને આક્રમકતાનું સંતુલન જાળવ્યું તે ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે.
ન્યૂઝીલેન્ડે બોલિંગ દરમિયાન ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું, પરંતુ અંતિમ ઓવરોમાં ભારતીય બેટરોએ પરિસ્થિતિને પોતાના પક્ષમાં ફેરવી નાખી હતી. હવે શ્રેણીની આગામી મેચમાં પણ ભારતીય ટીમ વિજયી લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડ માટે શ્રેણીમાં વાપસી કરવા આગામી મેચ જીતવી મહત્ત્વપૂર્ણ રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ભારત-ન્યૂઝીલેન્ડ T20 મુકાબલો: વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં તક

