ગુજરાતમાં હીરા ઉદ્યોગને રશિયા યુક્રેન યુદ્ધની અસર પહોંચી છે અને છેલ્લા પાંચ મહિનામાં 30 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. મળતી માહિતી પ્રમાણે રશિયા યુક્રેન યુધ્ધને કારણે હીરા ઉદ્યોગ ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં બહોળા પ્રમાણમાં છે તે તમામ કારખાનાઓમાં જાણે મંદીનું ગ્રહણ લાગ્યું છે . એક સમયે આ હીરા ઉધોગના કારખાના 24 કલાક ધમધમતા હતા જે આજે માંડ આઠ થી દસ કલાક ચાલુ હોય છે. આ ઉપરાંત છેલ્લા પાંચ મહિનામાં રત્ન કલાકારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે . રશિયાથી આવતો હીરાનો કાચો માલ આવતો હતો જે લગભગ નહીવત પ્રમાણમાં આવી રહ્યો છે જેણે કારણે મોટા ભાગના હીરાના કારખાનાઓમાં અલીગઢના તાળા લગાવવાનો સમય આવ્યો છે. જાણકારો કહી રહ્યા છેકે રશિયા અને યુક્રેન યુદ્ધની અસર છેલા ઘણા સમયથી દેખાવા લાગી હતી અને ગુજરાતમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો બેરોજગારીનો શિકાર બન્યા છે. સાથે સાથે હજારો -લાખો રત્ન કલાકારો આર્થિકભીંસ પણ અનુભવી રહ્યા છે . અને રત્ન કલાકારો પોતાની જીવનલીલા સંકેલી રહ્યા છે.
અમદાવાદમાં હીરાના 300થીવધુ કારખાના બંધ હાલતમાં છે અને લાખો કામદારો હાલ કફોડી હાલતમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં 1.41 લાખ રત્ન કલાકારો રો-હીરા ઉદ્યોગ સાથે કામ કરે છે અને રોજગારી મેળવે છે. અને શહેરમાં 700થી વધુ કારખાના પણ આવેલા છે. જોકે 300થી વધુ કારખાના બંધ હાલતમાં છે. આ ઉપરાંત કામદારો મજુર કાયદા હેઠળ લેવામાં આવતા નથી અને તેમને કોઈ પ્રકારના લાભ આપવામાં આવતા નથી અને હીરા ઉદ્યોગોની એવી દશા છેકે , હજારો રત્ન કલાકારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. હાલ મંદીના સમયમાં આ કામદારોના પગારમાં 30થી લઈને 50 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. સપ્તાહમાં બે દિવસ કારખાના બંધ રખાય છે અને માત્ર પાંચ દિવસ રત્ન કલાકારોને કામ મળી રહ્યું છે.
એક તરફ આર્થિક બે રોજગારી અને મોંઘવારી બંને વચ્ચે પીસાતા આ કામદારો કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપે છે પણ આ હીરા ઉદ્યોગની એવી દશા છેકે હજારો કામદારો હાલ તહેવારોના સમય વચ્ચે મુશ્કેલીમાં છે અને છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતમાંથી 30 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તે ચોકાવનારા સમાચાર છે. આ કામદારો રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છેકે રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને આર્થિક પેકેજની માંગ કરી છે.