જેનેરિક દવાઓ ફરજિયાત ! રાહત કે પછી રાજનીતિ ! તબીબો માટે કાયદો કેમ બન્યો જરુરી

    0
    71
    જેનેરિક મેડિસીન
    જેનેરિક મેડિસીન

    કાયદો એક એવી વસ્તુ છે કે જેનું પાલન કરવા તમારે ફરજ પાડવી પડે. હવે કાયદા નું આ શસ્ત્ર સરકારે તબીબી જગત સામે ઉગામ્યું છે. આમ તો દેશમાં કાયદા ઘણાં બને છે પણ પ્રશ્ન છે તેની અમલવારીનો. 2022માં નેશનલ મેડિકલ કમિશને તબીબોને જેનરિક દવા જ લખવી એવો આદેશ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જો કે આ નિયમમાં દંડની કોઈ જોગવાઈ નહતી. હવે નેશનલ મેડિકલ કમિશને તબીબોને ફરજિયાત જેનરિક દવા લખવા જ ફરજ પાડી છે અને જો આ સૂચનાનો વારંવાર ભંગ થશે તો લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી થશે. દંડ અને અન્ય જે કોઈપણ જોગવાઈ છે તે કાગળ ઉપર તો ઘણી સારી લાગે છે પરંતુ એક સવાલ પૂછવાનું મન ચોક્કસ થાય કે તબીબી જગત સામે સરકારે કડક કાયદા નું શસ્ત્ર કેમ ઉગામવું પડ્યું. કદાચ એવી સ્થિતિ વધુ વકરી હશે કે જેમાં તબીબો જેનરિક દવા લખતા જ નથી માટે ફરજિયાત જેનરિક દવા લખવા ફરજ પાડવામાં આવી. શું ફાર્માસિસ્ટ પણ ઈરાદાપૂર્વક જેનરિક દવા રાખતા જ નથી કે જેથી દર્દીએ ફરજિયાત બ્રાન્ડેડ દવા જ લેવી પડે? જેનરિક દવા કેટલી સસ્તી છે તે કહેવાની જરૂર નથી અને જો દર્દીને પરવડે તેવા ભાવે બીમારી સામે રક્ષણ આપતી દવાઓ ઉપલબ્ધ છે તો પછી દર્દીએ શા માટે ખોટો ખર્ચ કરવો.
    જેનરિક દવા લખવા અંગે નિયમ કડક કરાયા
    નેશનલ મેડિકલ કમિશન દ્વારા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. NMCના નવા નિયમોમાં જેનરિક દવા લખવા અંગે નિયમ કડક કરાયા છે તેમજ તમામ તબીબોને ફરજિયાત જેનરિક દવા લખવા આદેશ કરાયા છે. જેનરિક દવા ન લખે તો દંડની જોગવાઈ તેમજ તમામ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને ફરજ પાડવામાં આવી છે.
    NMCના દિશા-નિર્દેશમાં શું છે?
    દેશમાં આવકનો મોટો હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચાય છે. આરોગ્ય પાછળ થતા ખર્ચમાંથી મોટો હિસ્સો દવા પાછળ ખર્ચાય છે અને જેનરિક દવા બ્રાન્ડેડ દવા કરતા 30 થી 80% સસ્તી છે. તબીબો જેનરિક દવા લખશે તો આરોગ્ય પાછળ થતા ખર્ચમાં ઘટાડો થશે તેમજ હોસ્પિટલ અને ફાર્મસીઓ પણ જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને દર્દીઓને જેનરિક દવા અંગે જાગૃત કરવામાં આવે છે. જનઔષધિ કેન્દ્ર, જેનરિક ફાર્મસી કેન્દ્રમાંથી દવા લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે.
    જેનરિક દવા શું છે?
    બીમારીના ઈલાજ માટે લાંબાગાળા સુધી રિસર્ચ કરવામાં આવે છે તેમજ લાંબા રિસર્ચના અંતે રસાયણ તૈયાર થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તૈયાર થયેલા રસાયણને સોલ્ટ કહે છે. રસાયણ લોકોને પણ ઉપલબ્ધ થાય તે માટે તેને દવાનું સ્વરૂપ અપાય છે તેમજ સામાન્ય સંજોગોમાં આવા રસાયણ બહુ મોંઘા હોય છે. આ રસાયણને જેનરિક નામ આપીને સોલ્ટના કંપોઝિશન તૈયાર કરાય છે. આ કંપોઝિશન પણ અનેક પરીક્ષણ પછી તૈયાર થાય છે અને સામાન્ય સંજોગોમાં જેનરિક દવાઓ અત્યંત સસ્તી હોય છે
    નવા નિયમોમાં શું છે જોગવાઈ?
    તબીબોએ સુવાચ્ય અક્ષરમાં પ્રિસ્ક્રીપ્શન લખવાનું રહેશે તેમજ બિનજરૂરી દવાનો ડોઝ કે બિનજરૂરી કંપોઝિશન ન લખવા અને તબીબોએ જેનરિક દવા જ લખવાની રહેશે. તબીબો જેનરિક દવા નહીં લખે તો આ અંગે ચેતવણી આપવામાં આવશે. જેનરિક દવા લખવા અંગે કાર્યશાળાના આયોજન અંગે પણ વિચાર થશે. વારંવાર ચેતવણી છતા નિયમનું પાલન નહીં થાય તો દંડ કરાશે. તબીબનું લાયસન્સ પણ રદ કરી શકાશે
    જેનરિક દવા સસ્તી કેમ?
    બ્રાન્ડેડ દવાના રિસર્ચ, પેટન્ટ પાછળ ઘણો ખર્ચ થાય છે અને બ્રાન્ડેડ દવાની જાહેરાત પાછળ પણ કંપની ઘણા રૂપિયા ખર્ચે છે. જેનરિક દવાની કિંમત સરકાર નક્કી કરે છે. જેનરિક દવાના પ્રમોશન પાછળ વધુ ખર્ચ કરવામાં આવતો નથી. બ્રાન્ડેડ દવા કરતા જેનરિક દવા અનેકગણી સસ્તી છે
    આ વિષચક્રને પણ સમજો
    જેનરિક દવા સરકારી હોસ્પિટલમાં ઘણીવાર ઉપલબ્ધ હોતી નથી તેમજ દર્દીઓને ઘણીવાર મજબૂરીવશ બ્રાન્ડેડ દવા લેવી પડે છે. AIIMS દ્વારા કોરોનાકાળમાં જેનરિક દવાની અછતનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. ફાર્મા કંપની અને તબીબોની સાંઠગાંઠના પણ અનેક આરોપ લાગ્યા છે. સરકારે 2022માં જેનરિક દવા લખવા આદેશ આપ્યો હતો. ફાર્મા કંપની અને MRની મુલાકાતના નિયમો પણ બદલવામાં આવ્યા છે. ફાર્માસિસ્ટ પણ જેનરિક દવા વેંચવા માંગતા નથી. ફાર્માસિસ્ટને જેનરિક દવામાં ખાસ નફો મળતો નથી. બ્રાન્ડેડ દવાઓ વેંચવા પણ 40 થી 70% નફો મળે છે. કંપની જે કમિશન આપે તેમા તબીબ અને દવા વેંચનાર બંનેનો હિસ્સો હોય છે