ગિરનાર ના વિકાસ માટે સરકારે ખાસ યોજના બનાવી છે, ગિરનાર નો પ્રવાસ દૃષ્ટિએ ખુબજ મહત્વ છે,ત્યારે ગિરનાર ના વિકાસ માટે સરકારે કરોડો રુપિયાના આયોજનોને મંજુરી આપી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનાર ના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા ૧૧૪ કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે ૩મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે.
પ્રવાસન મંત્રીમૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના-મોટા કુલ ૨૨ જેટલા તીર્થધામોમાં કુલ ૪૮ કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે.
મુખ્યમંત્રી સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.એટલું જ નહી, અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.તેમણે આગામી ભાદરવી પૂનમનો જે લોકમેળો અંબાજીધામ ખાતે સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે તેમાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદૃઢ આયોજન માટે સંબંધિત તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી. ગિરનાર ના વિકાસને લઇને સરકાર ગંભીર છે,
મુખ્યમંત્રી એ ગિરનાર સહિત વિવિધ યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દરેક યાત્રાધામોમાં આવનારા યાત્રિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.