Gandhinagar Horror: ગાંધીનગરના કલોલ તાલુકાના ધેંધુ ગામમાં શનિવારે એક ૨૦ વર્ષીય યુવકની હત્યાની કરુણ ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. હાર્દિક રમેશજી ઠાકોર નામના કોલેજિયન યુવકની તેના જ ગામના એક દંપતી દ્વારા ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારા દંપતીએ પુરાવાનો નાશ કરવાના આશયથી મૃતદેહને સફેદ કોથળામાં ભરી ઘરમાં છુપાવી દીધો હતો અને ત્યારબાદ ઘરને તાળું મારી ફરાર થઈ ગયા હતા.

Gandhinagar Horror: ઘટનાનો ક્રમ: હાર્દિક ઘરેથી ગાયબ થયા બાદ શોધખોળ
મૃતક હાર્દિક માણસાની એસ.ડી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સાથે તેના પરિવારના વકીલને મદદ કરતો હતો. શનિવારે સવારે હાર્દિક ઘરે એકલો હતો. સવારે ૯:૧૦ વાગ્યાની આસપાસ તેણે તેના પિતાને જમીન જોવા જવા અંગે ફોન કર્યો હતો, પરંતુ થોડા સમય બાદ જ્યારે પિતાએ ફરી ફોન કર્યો ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. હાર્દિકનું એક્ટિવા ઘરે જ હતું પરંતુ તેની કોઈ ભાળ ન મળતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.

Gandhinagar Horror: દંપતીના ઘરેથી મળી લાશ
બપોરના સમયે ગામના જ સુરેશજી ઠાકોરે હાર્દિકના પિતાને વિષ્ણુજી ઉર્ફે વાસુભાઈ બળદેવજી ઠાકોરના ઘરે બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા જ રમેશજીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણવા મળ્યું હતું કે, વિષ્ણુજી અને તેમની પત્ની હંસાબેને હાર્દિકની ગળું દબાવીને હત્યા કરી નાખી છે અને તેની લાશને સફેદ કોથળામાં ભરી ઘરમાં મૂકી દંપતી ફરાર થઈ ગયું છે.
Gandhinagar Horror: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ
પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે હાર્દિકનું મોત ગળું દબાવવાને કારણે શ્વાસ રૂંધાવાથી થયું છે.
Gandhinagar Horror: હત્યા પાછળ બ્લેકમેઈલિંગનું કાવતરું?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યા કોઈ સામાન્ય કારણસર નહીં, પરંતુ બ્લેકમેઈલિંગના કાંડને લીધે થઈ હોવાની પ્રબળ આશંકા છે. દંપતીએ યુવકને ઘરે બોલાવ્યા બાદ તેને પતાવી દીધો હતો. કલોલના DySP આર. એમ. સરોદે અને પોલીસ ઈન્સ્પેક્ટર જે. જે. ગઢવીએ આરોપી દંપતી વિષ્ણુજી ઠાકોર અને હંસાબેન ઠાકોરની ધરપકડ કરી લીધી છે અને આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી શાંત ગણાતું ધેંધુ ગામ શોકમાં ડૂબી ગયું છે અને એકના એક પુત્રને ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




