Food Poisoning Horror in Ahmedabad:શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોની તબિયત લથડી હતી. આ ઝેરી અસરને કારણે સારવાર દરમિયાન 3 મહિનાની બાળકી અને 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકોના માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે.
Food Poisoning Horror in Ahmedabad: શું હતી સમગ્ર ઘટના?

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ગત 1 એપ્રિલના રોજ વિમલભાઈ પ્રજાપતિ ચાંદખેડાની ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસા બનાવવાનું ખીરું લાવ્યા હતા. સાંજે ઢોસા ખાધા બાદ બીજા દિવસે વહેલી સવારથી જ પરિવારના તમામ સભ્યોને ઉલ્ટીઓ થવા લાગી હતી.
- રાહા (ઉંમર: 3 મહિના): હોસ્પિટલ લઈ જતી વખતે હેડકી આવતા રસ્તામાં જ દમ તોડી દીધો.
- મીશ્રી (ઉંમર: 4 વર્ષ): તબિયત વધુ બગડતા કે.ડી. હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ઓક્સિજનની કમીને કારણે તેનું મોત થયું.
- વિમલભાઈ અને ભાવનાબેન (માતા-પિતા): હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
“સાંજે 8 વાગ્યે ખીરું લાવ્યા અને ઢોસા ખાધા. સવારે બધાને ઉલ્ટીઓ શરૂ થઈ. ડોક્ટરો મારી પૌત્રીઓને બચાવી ન શક્યા. અમને ન્યાય મળવો જોઈએ.” — ગૌરીશંકર પ્રજાપતિ (મૃતક બાળકીઓના દાદા)
Food Poisoning Horror in Ahmedabad:ડેરી માલિકની સ્પષ્ટતા ‘અમારું ખીરું શુદ્ધ છે‘

બીજી તરફ, ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલ અને વિપુલ પટેલે આ આક્ષેપોને નકારી દીધા છે. તેમણે જણાવ્યું કે:
- તે દિવસે 100 થી 125 કિલો ખીરું વેચાયું હતું, પરંતુ અન્ય કોઈ ગ્રાહકની ફરિયાદ આવી નથી.
- તેમણે સીસીટીવી (CCTV) અને વોઈસ રેકોર્ડિંગ હોવાનો દાવો કર્યો છે, જેમાં ગ્રાહક 1 તારીખે ખીરું લઈ ગયા હોવાનું અને 3 તારીખે ફરિયાદ કરવા આવ્યા હોવાનું જણાય છે.
- ડેરી માલિકના જણાવ્યા અનુસાર, તેમણે અન્ય ગ્રાહકોને ફોન કરીને પણ પૂછપરછ કરી હતી, પરંતુ કોઈને તકલીફ થઈ નહોતી.
Food Poisoning Horror in Ahmedabad: તંત્ર દ્વારા તપાસના આદેશ

આ ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું છે કે, ફૂડ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચાંદખેડા પોલીસ પણ આ મામલે સીસીટીવી ફૂટેજ અને ખીરાના સેમ્પલના આધારે તપાસ કરી રહી છે કે શું ખરેખર ફૂડ પોઈઝનિંગ ખીરાને કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર.
હાલમાં બે માસૂમ દીકરીઓના મોતના પગલે સમગ્ર ચાંદખેડા વિસ્તારમાં શોક અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ઈડન ગાર્ડન્સમાં આજે KKR અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ; કોલકાતા માટે જીતનું ખાતું ખોલવાનો પડકાર



