વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભા માં નોંધાવી ઉમેદવારી  !  બે નામો ઉપર સસ્પેન્સ યથાવત્

0
159
રાજ્યસભા
રાજ્યસભા

રાજ્યસભા ની ચૂંટણી નું બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે, ગુજરાત રાજ્યસભા ની 3 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. તેમ છતાં પણ રાજકીય માહોલ જામ્યો નથી. કારણ કે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી માં દાવેદારી કરવાના નથી. જેથી ભાજપના  ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેવામાં આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભા ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે હજુ બે બેઠક માટે ભાજપ તરફથી ઉમેદવારી કરવામાં આવી નથી.

આગામી રાજ્યસભાની ચૂંટણી માટે આજે ભાજપ તરફથી એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જોકે હજુ પણ ભાજપના બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. વિદેશ મંત્રી એસ જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી છે. ત્યારે બીજા બે ઉમેદવારોને પણ રિપિટ કરવામાં આવશે કે પછી નવો જ ચહેરો જોવા મળશે તેને લઈને ભાજપે સસ્પેન્સ યથાવત રાખ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 જુલાઈ છે અને 24 જુલાઈએ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ. જયશંકર, દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી આ ત્રણ બેઠક પર આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી ભાજપ પાસે 8 બેઠકો અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.

હાલમાં ગુજરાત વિધાનસભામાં ભાજપના 156, કોંગ્રેસના 17, આમ આદમી પાર્ટીના 5 અને સમાજવાદી પાર્ટીના એક સભ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પહેલેથી જ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે કોંગ્રેસ પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, હાલમાં કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 17 છે અને રાજ્યસભામાં ઉમેદવારને ચૂંટાઈ આવવા માટે જરૂરી 46 મત ન મળે તેવા સંજોગોને ધ્યાનમાં લઈ કોંગ્રેસે ચૂંટણીમાં ભાગ નહીં લેવા માટેની જાહેરાત કરી છે.