Earthquake News :રાજકોટ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગઇકાલે સાંજથી લઈને આજે વહેલી સવાર સુધી જેતપુર પંથકમાં સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાસ કરીને આજે વહેલી સવારે દોઢ કલાકની અંદર છ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
Earthquake News :દોઢ કલાકમાં છ આંચકા, તીવ્રતા 3.5 થી 3.8

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઇકાલે સાંજે 4 વાગ્યે 43 મિનિટે પ્રથમ ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 30 કિલોમીટર દૂર હતું. ત્યારબાદ આજે વહેલી સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીના દોઢ કલાકના સમયગાળામાં કુલ છ આંચકા નોંધાયા હતા. તમામ આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27થી 30 કિલોમીટરના અંતરે હોવાનું નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 3.5 થી 3.8 વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.
Earthquake News :ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ, ધરતી ધ્રૂજવાનો અહેસાસ
ભૂકંપના આંચકાઓ જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા. વહેલી સવારથી ઉપરાઉપરી આંચકા આવતા લોકોએ મકાનમાંથી બહાર દોડી આવવું પડ્યું હતું. ધરતી ધ્રૂજવાનો અહેસાસ થતા ઘણા લોકોમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપના પુનરાવર્તનની દહેશત વ્યાપી ગઈ હતી.

Earthquake News :વાસણો અને બારીઓ ખખડવાની ઘટના
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે તેમજ આજે વહેલી સવારથી આવેલા આંચકાઓ દરમિયાન મકાનોની બારીઓ હલતી જોવા મળી હતી તેમજ વાસણો ખખડવાનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાયો હતો. કેટલાક વિસ્તારોમાં લોકો લાંબા સમય સુધી ખુલ્લી જગ્યાએ જ ઊભા રહ્યા હતા.
જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નહીં
સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલમત્તાના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોને તેમના વિસ્તારમાં સ્થિતિની તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.




