રાજકોટના ઉપલેટાની યુનિવર્સિટીની પરિક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો, કોઈ ફરિયાદ ન થતા અનેક તર્કવિતર્ક

0
124

રાજકોટ ઉપલેટામાં ચાલી રહેલ યુનિવર્સિટીની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. જેમાં ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ પરીક્ષા વચ્ચે ચકાસણી દરમિયાન વિદ્યાર્થીની પાથલિયા ભૂમિકાને બદલે કરણકુમાર જોગ નામનો ડમી વિદ્યાર્થી બી.કોમ. સેમેસ્ટર 6 ની ફાઇનલ એક્ઝામ આપવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટાફ દ્વારા પરીક્ષા શરૂ થાય તે પહેલાં ઝડપી લેવાયો હતો. અને કોલેજ સ્ટાફને જાણ થતા કોલેજ દ્વારા કાર્યવાહી કરી, યુનિવર્સિટીને રિપોર્ટ મોકલાયો હતો. જોકે બુધવારે બનેલ આ ઘટના અંગે ગુરુવારે પણ કોઈ ફરિયાદ નહીં નોંધાતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બુધવારના બી.કોમ. સેમ. ૬ના ઓલ્ડ કોર્ષના અંગ્રેજી (007139)ના પેપરમાં એક વિદ્યાર્થિનીના બદલે અન્ય વિદ્યાર્થી પેપર આપવા બેઠો હતો. અને તપાસ કરતા તે વિદ્યાર્થી ભાગી છૂટ્યો હતો. જોકે આ ગંભીર ઘટનાની જાણ કોલેજના આચાર્ય ડો.વલ્લભભાઈ નંદાણીયાએ ગુરૂવારે સવાર સુધી કરી નહીં હોવાનું પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું. હવે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. અને ડમી ઉમેદવાર બેસાડનાર વિદ્યાર્થીનીને પરીક્ષામાંથી બાકાત રહેવાની સજા મુદ્દે EDAC (એક્ઝામિનેશન ડીસીપ્લીનરી એક્શન કમિટી)માં નિર્ણય લેવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

બીજીતરફ આ અંગે કોલેજના આચાર્ય ડો. વલ્લભભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે, બ્લોક સુપરવાઈઝરને એક વિદ્યાર્થી પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેને ડુપ્લીકેટ હોલટિકીટ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન તે વિદ્યાર્થી કોલેજમાંથી ભાગી છૂટ્યો હતો. આ મામલે જે વિદ્યાર્થિનીએ ડમી બેસાડ્યો હતો તેણે જણાવ્યું કે, મારા લગ્ન થઇ ગયા છે. મારે ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું છે. પરંતુ પતિ સહિતના સાસરિયા ભણવા દેતા નથી. અગાઉ બે વખત માતાના મજૂરીકામના પૈસામાંથી પરીક્ષા ફી ભરી પરંતુ એક્ઝામ આપવા દીધી નહીં હોવાથી આ વખતે મારા બદલે અન્યને પરીક્ષામાં બેસાડ્યો હતો. જોકે આ કોલેજના આચાર્યએ પણ કોપીકેસનું રોજકામ પરીક્ષાના દિવસને બદલે બીજા દિવસે મોકલ્યાની ગંભીર બેદરકારી દાખવતા તેમની સામે પણ સવાલો ઉઠ્યા છે.