ખરી દિવાળીએ ગરીબોનો મરો! ગુજરાતમાં રાશન આપતા 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા

0
90
રેશનકાર્ડ
રેશનકાર્ડ

ગુજરાતના 17 હજાર રાશન સંચાલકોનું બુધવારથી અસહકારનું આંદોલન શરૂ થયું છે. સરકારે વચન ન પાળતાં વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળ પર ઉતર્યાં છે. સરકાર સમક્ષ રહેલી પડતર માંગણીઓને મુદ્દે રાશન સંચાલકોએ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે.બુધવારથી ગુજરાતભરના 17 હજાર વાજબી ભાવના દુકાનદારો બેમુદતી હડતાળ પર ઉતર્યાં છે. સરકારે આપેલું વચન ન પાળતા આખરે દુકાનદારો એ રણશિંગુ ફૂક્યું છે. રાજ્યના વાજબી ભાવની દુકાનદારોના પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આખરે દુકાનદારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સમસ્યા એ છે કે, દુકાનદારો ખરી દિવાળીએ જ આંદોલન પર ઉતર્યા છે. જેની સીધી અસર ગરીબોના રાશન પર પડશે. આ હડતાળથી દિવાળીમાં 72 લાખ કાર્ડધારકોને ખાંડ, તેલ, અનાજથી વંચિત રહેવુ પડશે. વાજબી ભાવની દુકાનદારો અને સરકાર વચ્ચેના ઝગડામાં ગરીબોનો મરો થશે. 

 રાશન કાર્ડના સંચાલકોએ સરકાર સામે અનેક માંગો કરી હતી. તેમનું કમિશન 20 હજાર કરવાની માંગ કરી હતી. રાજ્યના માત્ર ૫ હજાર રાશન સંચાલકોનું કમિશન 20 હજાર કરતાં વધારે છે. તો 12 હજાર જેટલા સંચાલકોનું  કમીંશન 20 હજારથી ઓછું છે. સરકારે ૩૦૦ થી ઓછા રેશનકાર્ડ ધરાવતી દુકાનોના સંચાલકોને ૨૦ હજાર કમિશન આપવાનું વચન આપ્યું હતું. 

ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, પૂર્વ મંત્રી નરેશ પટેલે 13000 નું કમિશન વધારી 20000 કરવા આદેશ કર્યા હતા. 14 ઓક્ટોબર 2022 એ સરકારે 20 હજાર કમિશન આપવા નિર્ણય કર્યો હતો. અનાજના કટ્ટા પર એક કિલો ઘટ મજરે આપવાની માંગ રાશન કાર્ડ સંચાલકોની છે. તેમજ બારકોડ રેશન કાર્ડ સીસ્ટમમાં અનેક ક્ષતીને સુધારવા માંગ કરાઈ છે. 
વારંવાર સર્વર ખોટકાવાની સમસ્યાથી સંચાલકો પરેશાન થયા છે. 

આજે સરકારે આપેલા વચનને 15 માસનો સમય વિત્યો હોવા છતાં હજી નિર્ણયનો કોઈ અમલ થયો નથી. 20 હજાર કમિશન ન મળતાં રાશન સંચાલકોનું અસહકારનું આંદોલન ફરી ઉઠ્યું છે. 
 
હડતાળને પગલે દિવાળીમાં 72 લાખ રાશન ધારકો રાશનથી વંચિત રહી શકે છે. દુકાનદાર અને સરકારના ઝઘડામાં સામાન્ય માણસોને તેલ, ખાંડ અને અનાજ નહિ મળે.