Disaster in Anand: ઉમરેઠ તાલુકાના બેચરી હમીદપુરા ગામ નજીક મહી સિંચાઈ કેનાલમાં ૨૦ ફૂટ લાંબું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં અંદાજે ૫૦૦ વીઘાથી વધુ જમીનમાં રહેલા તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
Disaster in Anand: ગઈ રાત્રે સર્જાયેલી દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈ રાત્રે અંદાજે ૯ વાગ્યાના સુમારે બેચરી હમીદપુરા નજીકથી પસાર થતી મહી સિંચાઈ કેનાલમાં અચાનક ૨૦ ફૂટનું ગાબડું પડ્યું હતું. પાણીના પ્રવાહને કારણે હમીદપુરા ગામની અંકોડિયા સીમમાં ડાંગર, બાજરી, તલ, કેળ અને શાકભાજીના પાક પાણીમાં ડૂબી ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળતાં ૫૦થી વધુ પરિવારોએ પોતાના પશુધનને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. સદનસીબે ગ્રામજનો સમયસર સુરક્ષિત સ્થળે પહોંચી જતાં જાનહાનિ ટળી હતી. ઘટનાના ૧૫ કલાક બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.
Disaster in Anand: તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સૌમિલ પટેલ અને મામલતદાર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ કેનાલના ગાબડાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, કેનાલમાં પાણીનું સ્તર ઘટતા પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ખેતરોમાં ભરાયેલું પાણી પાછું કેનાલમાં વહી રહ્યું છે.
Disaster in Anand: ખેડૂતોમાં રોષ અને વળતરની માંગ

બીજી તરફ, સ્થાનિક ખેડૂતોએ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં અનેક જગ્યાએ અગાઉથી જ ધોવાણ થયેલું છે, તેમ છતાં સમયસર સમારકામ કરવામાં આવ્યું નથી. જો હવે પછી પણ કાયમી મજબૂતીકરણ કરવામાં નહીં આવે, તો ફરીથી આવી ઘટનાઓ બનવાની શક્યતા છે. ખેડૂતોએ તત્કાલ અસરથી કેનાલનું મજબૂત સમારકામ કરવા અને નુકસાન પામેલા પાકનું સર્વે કરી યોગ્ય આર્થિક વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCની નવી અને અત્યાધુનિક વેબસાઇટ લોન્ચ, બુકિંગ હવે બનશે વધુ સરળ




