દેશમાં ડુંગળી-બટાટા સિવાય આવશ્યક તમામ ખાદ્યચીજો 3 વર્ષમાં મોંઘી થઈ- લોકસભામાં સરકારે સ્વીકાર્યુ

0
198

ડુંગળી અને બટાટા સિવાય દેશમાં જેના વગર દેશના કોઈ નાગરિકને એક દિવસ પણ ચાલતું નથી  તે તમામ આવશ્યક ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે. લોકસભામાં સરકારે જણાવ્યું કે ખાદ્ય ચીજોની કિંમતો પર માંગ-પૂરવઠો વચ્ચે  અંતર, ઋતુ ચક્ર, સંગ્રહખોરી અને કાળાબજાર,  આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વૃધ્ધિ વગેરે અનેક કારણો જવાબદાર હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સંસદમાં અન્ય પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મૂજબ ખાદ્ય અનાજનું દેશમાં ઉત્પાદન સતત વધી રહ્યું છે છતાં ભાવ વધ્યા છે. 
સૌરાષ્ટ્રમાં જેનો દેશમાં સર્વાધિક પાક લેવાય છે તે ડુંગળીની કિંમત સરકારે જાહેર કર્યા મૂજબ દેશમાં ઈ.સ. 2020માં રૂ. 35.88 પ્રતિ કિલો હતા, જે ઈ. 2021માં ઘટીને રૂ.32.52 થયા અને ગત વર્ષ 2022 દરમિયાન એકંદરે વધુ ઘટીને રૂ. 28 થયા છે. જ્યારે બટાટાની કિંમત ઈ.સ. 2020માં રૂ. 31.25 ઈ. 2021માં રૂ. 21.24 અને ગત વર્ષે રૂ 25.20 રહ્યા છે. જ્યારે મગ દાળની કિંમત રૂ. 103 આસપાસ લગભગ સ્થિર રહી છે. 

ગુજરાતમાં વ્યાપકપણે જે ખાદ્યચીજનો વપરાશ થાય છે તે ઘંઉ, સિંગતેલ, ટમેટા, ગોળ, દૂધ, ચા, વગેરે તમામ ચીજોના ભાવમાં મોટો વધારો થયો છે.ખાસ કરીને સિંગતેલમાં ગત બે વર્ષમાં પ્રતિ કિલો રૂ. 147થી વધીને  રૂ. 189 થયું છે અને હાલ તો છૂટક સિંગતેલ રૂ. 200નું કિલો લેખે બજારમાં મળે છે. તા. 31-3-2024 સુધી અડદ અને તુવેરને મુક્ત શ્રેણીમાં મુકવા ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણ સહિત વિવિધ પગલા સાથે સંગ્રખોરી કાળાબજાર સામે પગલા લેવા રાજ્યોને નિર્દેષ આપ્યા.

બીજી તરફ, દેશમા (1) ઈ. 2019-20માં 2975 લાખ ટન (2) ઈ. 2020-21માં 3107 લાખ ટન અને (3) ઈ.સ. 2021- 22 માં રેકોર્ડ 3156 લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થયું છે. આમ, કૃષિપાક વધતો જાય છે, ઉત્પાદન વધે છે અને તે સાથે ભાવ વધવાનું જારી છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળી, ઘંઉનું નોંધપાત્ર ઉત્પાદન છતાં પણ તેના ભાવ વધ્યા છે.