Prime Minister Modi Deepfake : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ડીપફેક વીડિયો બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગનો ઉલ્લેખ કરીને તેને ‘મોટી ચિંતા’ ગણાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ કહ્યું કે, તેમણે ChatGPT ટીમને ડીપફેક વીડિયોને ફ્લેગ કરવા અને આવા વીડિયો ઈન્ટરનેટ પર ફરતા થવા પર ચેતવણી આપવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે મીડિયાએ લોકોને આ મુદ્દે શિક્ષિત કરવા જોઈએ.
ડીપફેક માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ શુક્રવારે કહ્યું હતું કે તેમણે ગરબા કરતા પોતાનો એક મોર્ફેડ વીડિયો પણ જોયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મેં મારા શાળા જીવન પછી ગરબા કર્યા નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટીના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે, કોઈએ મારો ડીપ ફેક વીડિયો બનાવ્યો છે.
કેન્દ્ર સરકારે આવા કેસોના પીડિતોને પોલીસમાં ફરિયાદ કરવા અને ‘ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ઉપલબ્ધ ઉપાયોનો લાભ લેવા’ સલાહ આપી છે. કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ખોટી માહિતીના ફેલાવાને રોકવા એ ઑનલાઇન પ્લેટફોર્મની ‘કાનૂની જવાબદારી’ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સરકાર નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસને ‘અત્યંત ગંભીરતાથી’ લે છે, અને ખાસ કરીને બાળકો અને મહિલાઓની, કારણ કે તેઓ આ પ્રકારની સામગ્રી દ્વારા સૌથી વધુ લક્ષ્યાંકિત છે…”
કેન્દ્ર સરકારે કહ્યું છે કે ડીપફેક બનાવવા અને ફેલાવવા માટે કડક સજાની જોગવાઈ છે અને આ અંતર્ગત એક લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદન્ના, કેટરિના કૈફ અને કાજોલના મોર્ફ કરેલા ચહેરા સાથેના કેટલાક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેણે લઈને લોકોમાં ઘણો આક્રોશ ફેલાયો છે.