CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની મૃદુ અને મક્કમ શૈલીની સાથે સાથે પોતાની સંવેદનશીલતા માટે પણ જાણીતા છે. આવી જ એક માનવીય સંવેદનાનો કિસ્સો બનાસકાંઠા જિલ્લાની પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ એક વર્ષ પહેલાં એક નાની બાળકીને આપેલું વચન પૂરું કર્યું.
CM Bhupendra Patel: એક વીડિયો કોલ અને માસૂમ પ્રશ્ન

ગયા વર્ષે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ના એક વીડિયો સંવાદ દરમિયાન, ધોરણ-૧ માં ભણતી દીકરી સામ્યા પ્રજાપતિએ મુખ્યમંત્રીને દાદા સંબોધીને સહજતાથી પૂછ્યું હતું કે, “દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?” ત્યારે મુખ્યમંત્રીએ હસીને વચન આપ્યું હતું કે, “બેટા, હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને અને તારી શાળાને મળવા આવીશ.”
CM Bhupendra Patel: વચનપાલન: મુખ્યમંત્રી પહોંચ્યા સામ્યાની શાળાએ
પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ મુખ્યમંત્રીએ આ નાનકડી દીકરીની લાગણી યાદ રાખી હતી. આજે જ્યારે તેઓ બનાસકાંઠાની મુલાકાતે હતા, ત્યારે ખાસ આ શાળાની મુલાકાત લીધી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સામ્યા અને આખી શાળાના વિદ્યાર્થીઓનો આનંદ બેવડાયો હતો. સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક ગાન કર્યું હતું, જે સાંભળી મુખ્યમંત્રી ગદગદિત થયા હતા.

“મોટી થઈને કલેક્ટર બનજે” — મુખ્યમંત્રીના આશીર્વાદ
મુખ્યમંત્રીશ્રીએ સામ્યાને વડીલસહજ વ્હાલ કરતા આશીર્વાદ આપ્યા અને કહ્યું, “તું ખૂબ ભણજે અને મોટી થઈને કલેક્ટર બનજે, પછી મને મળવા આવજે.” નાનકડી સામ્યાએ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ‘દાદા’ ને વચન આપ્યું કે તે મોટી થઈને ચોક્કસ તેમને મળવા આવશે.
સપનું પૂરું થયાનો અહેસાસ
સામ્યાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “મેં દાદાને વિનંતી કરી હતી અને તેમણે મારી વાત યાદ રાખી. આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું છે.” આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની આ સહજતાએ માત્ર શાળા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના લોકોના દિલ જીતી લીધા છે.




