૯ સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે, CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રૂપના સ્થાપક વેણુગોપાલ ધૂત વિરુદ્ધ રૂ. 3,250 કરોડની લોન છેતરપિંડી કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી, 409 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, CBIએ કંપનીઝ અને વ્યક્તિઓ સહિત નવ સંસ્થાઓના નામ આપ્યા છે. ન્યુપાવર રિન્યુએબલ્સ સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને CBI FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, ICICI બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ધિરાણ નીતિનું ઉલ્લંઘન કરીને ધૂત દ્વારા પ્રમોટ કરાયેલ વિડિયોકોન જૂથની કંપનીઓને રૂ. 3,250 કરોડની લોનની સુવિધા મંજૂર કરી હતી.