બ્રિટનમાં ઋષિ સુનક (RishiSunak) સરકારે આજે વિઝા (UK Visa) મામલે મોટો નિર્ણય લીધો છે. સુનક સરકારે સંસદમાં નવો કાયદો લાવી છે, જેમાં વીઝાથી લઈને 5 નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નવા નિયમોને કારણે બ્રિટનમાં રહેવાની, કામ કરવાની અને ભણવાની ઈચ્છા રાખનારાઓ માટે મોટી મુશ્કેલી સર્જાશે. આ નિયમોને કડક બનાવી આગામી વર્ષે યોજાનાર ચૂંટણી પહેલા ઈમિગ્રેશન પર અંકુશ લગાવવાનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
સુનક સરકાર 4 ડિસેમ્બરે બ્રિટનની સંસદમાં નવો કાયદો લાવી છે. નવા કાયદા મુજબ વિદેશી કામદારોનો પગાર વધારો થશે, પરંતુ એક જ પરિવારના આશ્રિતો તરીકે સામેલ થવાના નિયમો કડક બનાવાયા છે. અગાઉ વર્કિંગ વિઝા મેળવવા માટે બેઝિક સેલેરી 26,000 પાઉન્ડ (લગભગ 27 લાખ રૂપિયા) હતી, જોકે આ નિયમમાં ફેરફાર કરી બેઝિક સેલેરીનો નિયમ 38,700 પાઉન્ડ (40 લાખ રૂપિયા આસપાસ) કરાયો છે.
હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું કે, આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય 3 લાખ ઈમિગ્રેશન ઘટાડવાનો છે. વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વિટ કરી આ બાબતને ઈમિગ્રેશન રોકવાનો એક ‘રેડિકલ ઉપાય’ ગણાવ્યો છે. તેમણે લખ્યું કે, ‘ઈમિગ્રેશનોની સંખ્યા ખુબ જ છે, જેને ઘટાડવા આપણે નિર્ણાયક કાર્યવાહી કરી રહ્યા છીએ. આ નિર્ણય એ વાતની ગેરેટી આપશે કે, ઈમિગ્રેશન હંમેશા યુકેના શ્રેષ્ઠ હિતોની સેવા કરે.’
જાણો સુનક સરકારના આ નવા નિયમો
(1) હેલ્થ કેર વર્કર વિઝા (Health Care Worker Visa) : આમાં પહેલા એવો નિયમ હતો કે, જે વર્કર બ્રિટન આવશે, તેના ડિપેન્ડેન્ટ એટલે કે આશ્રિતોને પણ આરોગ્ય અને સારવારનો લાભ મળતો હતો, જોકે હવે નવા કાયદા બાદ આ લાભ નહીં મળે. નવા નિયમ મુજબ વર્કરોને આશ્રિતો લાવવાની મંજૂરી જ અપાશે નહીં.
(2) સ્કીલ્ડ વર્કર વિઝા (Skilled Worker Visa) – નવા નિયમમાં સ્કિલ્ડ વર્કરોને ફાયદો થઈ શકે છે. અગાઉ સ્કિલ્ડ વર્કરોનો ઓછામાં ઓછો પગાર 26,200 પાઉન્ડ હતો, જેને નવા નિયમ મુજબ વધારી 38,700 પાઉન્ડ કરાયો છે. આ નિયમ બ્રિટનના નાગરિકો, જેઓ પોતાના આશ્રિતોની સારસંભાળ રાખે છે, તેમના પર પણ લાગુ થશે.
(3) શોર્ટેજ ઑક્યૂપેશન લિસ્ટ – અગાઉ વિદેશથી કામ કરવા માટે બ્રિટન આવનારાઓને પગારમાં ઓછામાં ઓછું 20 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. જોકે નવા બિલ બની ગયા બાદ લોકોને આ રાહત નહીં મળે. સરકારે આ માટે એક ઈમિગ્રેશન સેલેરીની લિસ્ટ તૈયાર કરી છે, જેને ઈમિગ્રેશન એડવાઈઝરી કમિટી રિવ્યૂ કરશે.
(4) પગાર મર્યાદામાં વધારો અથવા ફેમિલી વિઝા (Family Visa) : અગાઉ ફેમિલી વિઝાથી આવનારા લોકોની બેઝિક સેલેરી 18 હજાર પાઉન્ડની આસપાસ હોવાનો નિયમ હતો. હવે તને વધારી 38,700 પાઉન્ડ કરાયો છે. આ કાયદો માત્ર સ્કિલ્ડ વર્કર પર જ લાગુ થઈ રહ્યો છે.
(5) પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અથવા સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા (Post Study Work Visa or Student Dependent Visa) – આ વિઝા મામલે કોઈ નવો નિયમ લવાયો નથી, પરંતુ તેના પર રિવ્યૂની કામગીરી ચાલી રહી છે અને રિવ્યૂ આવ્યા બાદ લગભગ 1,53,000 હજાર લોકોના વિઝા પર અસર પડી શકે છે.
સરકારે સંસદમાં નવો કાયદો રજુ કર્યા બાદ કહ્યું, આ બિલને આગામી વર્ષે એપ્રિલ-2024થી લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. બ્રિટનના ગૃહ કાર્યાલયે કહ્યું કે, આ નિર્ણયથી લગભગ 3 લાખ લોકોને અસર થઈ શકે છે. નવો કાયદો લાગુ થયા બાદ અહીં આવનારા લોકો બ્રિટનના સ્કિલ્ડ વર્કર વિઝાનો ઉપયોગ નહીં કરી શકે.