નવા સંસદ ભવનના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે, પરંતુ તે પહેલા આ અંગે કેટલીક ખાસ જાણકારી મેળવવી જરૂરી છે. નવા સંસદ ભવનમાં ભારતના વિવિધ ભાગોમાંથી શિલ્પો અને કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, ગરુડ, ગજ, અશ્વ અને મગર સહિત દેશમાં પૂજાતા પશુ, પક્ષી વગેરેની ઝલક પણ બતાવવામાં આવી છે. અહીં ત્રણ દરવાજા બનાવવામાં આવ્યા છે, જેને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયું છે. આ નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલ ચીજ વસ્તુઓ દેશના વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં આવી છે. નવી સંસદમાં ઉપયોગમાં લેવાતું સાગનું લાકડું નાગપુરથી લાવવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનના સરમથુરાના સેંડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્લોર પર યુપીના મિર્ઝાપુરની કાર્પેટ લગાવવામાં આવી છે, જ્યારે અગરતલાથી આયાત કરાયેલ વાંસનું લાકડું સ્થાપિત કરવામાં આવ્યું છે. રાજસ્થાનના રાજનગર અને નોઈડામાંથી સ્ટોન જાળી લગાવવામાં આવ્યા હતા. અશોક પ્રતિકને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરથી લાવવામાં આવ્યું છે. સંસદમાં સ્થાપિત અશોક ચક્ર ઈન્દોરથી લાવવામાં આવ્યું છે. મુંબઈથી ફર્નિચર લાવવામાં આવ્યું હતું. સફેદ માર્બલ રાજસ્થાનનું છે. કેસરી લીલા પથ્થર ઉદયપુરના છે. સ્ટોન કોતરણીનું કામ આબુ રોડ અને ઉદયપુરમાં થયું છે. રાજસ્થાનના કોટપુતલીથી પણ કેટલાક પથ્થરો લાવવામાં આવ્યા હતા. હરિયાણાના ચક્રી દાદરીમાંથી રેતી, એનસીઆર, હરિયાણા અને યુપીમાંથી ઇંટ મંગાવવામાં આવી હતી. બ્રાસ વર્ક અને પ્રી-કાસ્ટ ટ્રેન્ચ અમદાવાદથી લાવવામાં આવ્યા હતા, જ્યારે RS ફોલ્સ સીલિંગ સ્ટીલ સ્ટ્રક્ચર દમણ અને દીવમાંથી મંગાવાયુ છે.