ગુજરાત વડોદરાની MSUમાં વધુ એક વખત ગેરવહીવટ, 75 દિવસ બાદ પરિણામના ઠેકાણા નહિ

0
162

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. જેમાં સૌથી વધારે વિરોધનો મુદ્દો વિદ્યાર્થીઓના રીઝલ્ટનો જ જોવા મળતો હોય છે. ત્યારે આ મુદ્દે ફરી એકવાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને પરિક્ષાના 75 દિવસ બાદ પણ રિઝલ્ટ ન મળતા આજે વિરોધ પર ઉતર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની MSUમાં આવેલી ટેક્નોલોજી ફેકલ્ટીમાં B.E-1 પ્રથમ વર્ષની પરિક્ષા પુરી થયે 75 દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજદિન સુધી યુનિવર્સિટી દ્વારા રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જ્યાં બીજી તરફ આવનારી 10 એપ્રિલના રોજ યુનિવર્સિટીમાં એટીકેટીની પરિક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને રીઝલ્ટ મળ્યું ન હોવાથી તે લોકો આ પરિક્ષા કેવી રીતે આપે તે એક મોટો પ્રશ્ન છે.

મહત્વનું છે કે, આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સત્તાધીશો વિદ્યાર્થીઓને ચકડોળે ચઢાવી વાયદા આપતા જોવા મળી રહ્યા છે. 5 થી 10 એપ્રિલ વચ્ચે એક ગુડ ફ્રાઈડે અને એક રવિવાર એમ 2 રજા આવે છે. ત્યારે દરેક વિદ્યાર્થીનો એક જ સવાલ છે કે, ક્યારે રિઝલ્ટ આપશે અને ક્યારે વિદ્યાર્થીઓ તેમના ATKT ના ફોર્મ ભરશે. જેથી આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક રીઝલ્ટ જાહેર કરી પરિક્ષાની તારીખ પાછી ધકેલવાની માંગ કરવામાં આવી રહી છે.

જ્યાં બીજી તરફ વિદ્યાર્થીઓને રીઝલ્ટ વગર ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતા વધુ એક વખત યુનિવર્સટીની મોટી બેદરકારી સામે આવી છે. જેને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. જો કે, યુનિવર્સિટીની ગોળ ગોળ વાતોમાં ન આવી આજે ટેક્નોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી ભગવાનના ભજનો ગાઈને સત્તાધીશોને સદબુદ્વિ આપે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.