હાલના સમયમાં યુવાનોને અલગ અલગ ફેશનની દાઢી, મૂંછો અને હેરસ્ટાઈલનો અલગ જ ક્રેઝ હોય છે. જેથી મસમોટી રકમ આપી યુવાઓ જુદી જુદી સ્ટાઈલમાં દાઢી મૂછો કપાવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં એક સમાજ દ્વારા યુવાનોને ફેશનેબલ દાઢીને લઈ મહત્વનું ફરમાન કરવામાં આવ્યું છે. જેમાં ફેશનેબલ દાઢી રાખવા પર યુવાઓને હવે દંડ ચૂકવવો પડશે. જેને લઇને આંજણા ચૌધરી સમાજે કડક નિયમો બનાવ્યા છે, જેના માટે બનાસકાંઠાના ધાનેરામાં બેઠક મળી હતી
તમને જણાવી દઇએ કે ,બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની સમાજ સુધારણાને લઈ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ સુધારા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું ફરમાન કરાયું છે. આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય હોટલમાં જન્મદિવસ મનાવવા પર પણ પ્રતિબંધ લગાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિન્હ કર્યો છે.
આ ઉપરાંત બેઠકમાં સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. આજણા ચૌધરી સમાજની બેઠક મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરવાની હાંકલ કરી હતી. જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત આ બેઠકમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં આપવા, લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે.
ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં લોકો સમાજના બંધનોથી મુક્ત થઇને પોતાની અલગ સમજણથી જીવન પસાર કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે તેમના દ્વારા કરવામાં આવતી કોઇ પ્રવૃત્તિના કારણે સમાજ આહત થતું હોય છે. જેને ધ્યાને રાખી બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજ દ્વારા મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે.