ન્યૂજર્સી : અમેરિકામાં આણંદ ગુજરાતી યુવકે તેના સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે તેનાં સગાં મામા, નાના-નાનીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે ન્યૂજર્સી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યારા યુવકના નાના દિલીપભાઇ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાંથી પીઆઇ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના પરિવારની પુત્રી રિંકુનાં લગ્ન વિદેશમાં થયાં હતાં અને તેણે પુત્ર ઓમને જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં રિંકુના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ રિંકુ ભારત પરત આવી હતી અને રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.
દિલીપભાઇ અને તેમનાં પત્ની અમેરિકામાં પુત્ર યશ પાસે આવતા જતાં રહેતાં હતાં. જ્યારે પોતાના ભાણેજ ઓમને અમેરિકામાં સેટ કરવા માટે મામા યશ તેને સાથે લઇ ગયા હતા.
આ દરમિયાન ઓમ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું પણ જાણવા મળતા પરિવારમાં ઉગ્ર બોલચાલ થઇ હતી. ત્યારે ગુસ્સામાં આવીને ભાણેજ ઓમે ગનથી મામા યશકુમાર બ્રહ્મભટ્ટ (38), નાના , દિલીપકુમાર બ્રહ્મભટ્ટ (72), નાની બિંદુ બ્રહ્મભટ્ટ (72)ને ગોળી ધરબી હત્યા કરી દીધી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોચી ત્યારે યશકુમાર બ્રહ્મભટ્ટ ઈજાગ્રસ્ત હતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો.
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને હત્યારા ઓમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની કરુણતા એ છે કે, યશ પરિણીત હતો અને તેને 4 વર્ષનો પુત્ર પણ છે.
શું છે સમગ્ર મામલો :
બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો. જેમાં નિવૃત્ત પીઆઈ દિલીપ બ્રહ્મભટ્ટ, પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટ હતાં. આ ત્રણેય ન્યૂજર્સી ના મિડસસેક્સ કાઉન્ટીમાં રહેતાં હતાં. યશ બ્રહ્મભટ્ટને થયું કે તેનો ભાણેજ ઓમ બ્રહ્મભટ્ટ પણ અમેરિકા સેટલ થઈ શકશે એટલે તે તેને પણ સાથે લઈ ગયો હતો.
આણંદથી ચાલતા આવતા કૌટુંબિક વિખવાદ અમેરિકામાં પણ ચાલુ રહ્યા હતા. રોજેરોજના ઝઘડામાં ઉશ્કેરાયેલા 23 વર્ષીય ઓમ બ્રહ્મભટ્ટે મામા યશ, તેના નાના દિલીપ બ્રહ્મભટ્ટ અને નાની બિન્દુ બ્રહ્મભટ્ટની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.