અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના

0
57

ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું

બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના  દાન થકી જરૂરિયાતમંદ ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન. અંગદાનની અગત્યતા અને પવિત્રતાની સમજ અપાયાની ગણતરીની મીનિટોમાં જ ત્રણેય પુત્રોએ આ નિર્ણય કર્યો હતો. અને :- સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે રાજ્યવ્યાપી મહાયજ્ઞ બન્યો છે.

આપણા શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે મૃતકની આત્માની શાંતિ માટે નદીમા  અસ્થિનુ વિસર્જન કરવામાં આવે છે. તેમા પણ ખાસ કરીને મૃતકના પુત્ર દ્રારા થયેલ આ કાર્યને વધું પવિત્ર મનાય છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની થયેલ એક અભૂતપૂર્વ ઘટના કદાચ પ્રવર્તમાન સમયમાં આ સત્કાર્યથી પણ શ્રેષ્ઠ માની શકાય તેમ છે.અમદાવાદ સિવિલમાં ગઈકાલે તા. ૫ મે ૨૦૨૩ના રોજ બ્રેઇનડેડ થયેલ ૬૯ વર્ષના વયસ્ક દર્દીના ત્રણ પુત્રોએ એક જૂથ થઈ અંગદાનનો નિર્ણય કર્યો .

આ નિર્ણય થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન પણ મળ્યું.સમગ્ર ઘટના એવી છે કે, વટવામાં રહેતા ગંગારામ કુશવાહને માર્ગ અકસ્માત સાંપડતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચાર દિવસની સતત સઘન સારવારના અંતે  તબીબો દ્વારા ગંગારામજીને બ્રેઇનડેડ જાહેર કરાયા. બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમના કાઉન્સિલર્સ દ્વારા તેમના પરિવારજનો અને ખાસ કરીને ગંગારામ ભાઈના ત્રણેય પુત્રોને અંગદાનની  અગત્યતા અને પવિત્રતા અંગેની સમજ અપાતા ત્રણેય પુત્રોએ ઘડીનો પણ વિલંબ કર્યા વિના ગણતરીની મીનિટમાં એક જૂથ થઈને ગંગારામના તમામ અંગોનું દાન કરવાનો હિંમત ભર્યો જન હિતમાં નિર્ણય કર્યો..

બ્રેઈનડેડ ગંગારામના  લીવર અને  બે કિડનીના દાન દ્વારા  ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ‌.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૦૫ માં અંગદાનના સંદર્ભમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા બાળકોને તો અમે જોયા છે પરંતુ આજે પિતાના અંગદાન થી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે તે ખરેખર ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું પ્રતિબીંબ છે..ડૉ. જોષીએ ગૌરવભેર જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાય યજ્ઞમાં હવે રાજ્યના ઘણા જિલ્લાઓ અને  હોસ્પિટલ જોડાયા છે .

અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૦૫ અંગદાનમાં મળેલા ૩૪૧ અંગોએ ૩૧૬ જેટલા જરુરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ