AI Toll System: ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: 2026 સુધીમાં અમલ, ફાસ્ટટેગ અને GPSથી કેવી રીતે અલગ છે નવી સિસ્ટમ?

0
90
AI Toll
AI Toll

AI Toll System: ભારતના રસ્તાઓ પર ટોલ વસૂલવાની પદ્ધતિમાં જલ્દી જ મોટો ફેરફાર જોવા મળશે. હવે ટોલનાકા પર ઊભા રહેવાની ઝંઝટથી વાહનચાલકોને મુક્તિ મળશે, કારણ કે દેશમાં AI આધારિત સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં લાવવામાં આવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવેસ મંત્રી નિતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે આ નવી ટોલ સિસ્ટમ 2026ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે અમલમાં આવશે.

ગડકરીએ જણાવ્યું કે આ સિસ્ટમ સેટેલાઇટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત હશે, જેના કારણે વાહનચાલકોને ટોલ ગેટ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. વાહનો 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ ટોલ ઝોનમાંથી પસાર થઈ શકશે, અને ટોલ આપમેળે વસૂલ થઈ જશે.

AI Toll System

AI Toll System: ફ્યુઅલ બચત સાથે સરકારી આવકમાં મોટો વધારો

નિતિન ગડકરીના જણાવ્યા મુજબ, AI ટોલ સિસ્ટમ અમલમાં આવતા વાહનચાલકોને ફ્યુઅલ બચતનો મોટો લાભ મળશે. ટોલ બૂથ પર ઊભા ન રહેવાને કારણે દર વર્ષે અંદાજે 1500 કરોડ રૂપિયાનું ઇંધણ બચશે. સાથે સાથે સરકારી ખજાનામાં વર્ષે લગભગ 6000 કરોડ રૂપિયાનું વધારાનું રેવન્યુ ઉમેરાશે.

AI Toll System: AI ટોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

AI આધારિત ટોલ સિસ્ટમ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ પર આધારિત છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પરંપરાગત ટોલ બૂથની જરૂર નહીં રહે. રસ્તા પર ખાસ લોખંડના સ્ટ્રક્ચર (ગેન્ટ્રી) સ્થાપિત કરવામાં આવશે.

આ ગેન્ટ્રી પર

  • હાઇ રિઝોલ્યુશન કેમેરા
  • અદ્યતન સેન્સર
  • AI વિઝન ટેકનોલોજી

લગાવવામાં આવશે. આ કેમેરા વાહનની નંબર પ્લેટને ઓળખી અને એનાલાઇઝ કરશે. વાહન એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પરથી પસાર થતાં જ ટોલ આપમેળે ગણાશે અને વસૂલ થશે. સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક હશે અને વાહનને ક્યાંય રોકવાની જરૂર નહીં પડે.

AI Toll System

AI Toll System: AI ટોલ સિસ્ટમ ફાસ્ટટેગ અને GPSથી કેવી રીતે અલગ?

ફાસ્ટટેગમાં રેડિયો ફ્રીક્વેન્સી (RFID) ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જ્યારે GPS સિસ્ટમ સેટેલાઇટ ટ્રેકિંગ પર આધારિત છે. AI ટોલ સિસ્ટમમાં કેમેરા અને સેન્સર આધારિત AI વિઝનનો ઉપયોગ થશે.

  • ફાસ્ટટેગમાં થોડા સેકન્ડ માટે વાહન રોકવું પડે
  • GPS અને AI સિસ્ટમમાં વાહન રોકવાની જરૂર નથી
  • AI સિસ્ટમમાં સ્પીડમાં પસાર થતાં જ ટોલ કપાઈ જશે

ફાસ્ટટેગ સિસ્ટમનું શું થશે?

હાલ ફાસ્ટટેગ સિસ્ટમમાં વાહનના કાચ પર સ્ટિકર લગાવવું પડે છે, જેમાં ચિપ હોય છે અને તે બેંક એકાઉન્ટ અથવા પ્રીપેઇડ વોલેટ સાથે જોડાયેલી હોય છે. બેલેન્સ ન હોય તો ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ થઈ જાય છે અને કેશ પેમેન્ટ કરવું પડે છે.

સરકાર દ્વારા હજી સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે ફાસ્ટટેગ સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે કે નહીં, પરંતુ શક્યતા છે કે ભવિષ્યમાં સેટેલાઇટ અને AI આધારિત સિસ્ટમ ફાસ્ટટેગની જગ્યા લેશે.

AI Toll System: ત્રણેય સિસ્ટમમાં મુખ્ય તફાવત

  • ફાસ્ટટેગ: કારમાં ફાસ્ટટેગ સ્ટિકર ફરજિયાત
  • GPS સિસ્ટમ: કારમાં OBU ડિવાઇસ જરૂરી
  • AI સિસ્ટમ: ફક્ત વાહનની નંબર પ્લેટ પૂરતી

ફાસ્ટટેગમાં ટોલ ચાર્જ ફિક્સ હોય છે, જ્યારે GPS અને AI સિસ્ટમમાં જેટલું અંતર કાપશો એટલો ટોલ ચૂકવવો પડશે. AI અને GPS સિસ્ટમ માટે ટોલ બૂથની જરૂર નહીં રહે.

AI Toll System

વાહનચાલકોને મળશે મોટી રાહત

AI આધારિત ટોલ સિસ્ટમ અમલમાં આવતા ટ્રાફિક જામ, સમયનો વ્યય અને ઇંધણનો ખર્ચ ઘટશે. સાથે સાથે પારદર્શક ટોલ વસૂલાતથી સરકારને પણ મોટો આર્થિક લાભ થશે.

આ પણ વાંચો :NPS Rules Amended: NPSના નિયમોમાં મોટો ફેરફાર હવે 80% ભંડોળ ઉપાડી શકાશે, આંશિક ઉપાડની સંખ્યા 4 થઈ