Ahmedabad News :શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદના બકેરી સિટી વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એક વૃદ્ધા અને એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
Ahmedabad News :નિદ્રામાં રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ

ઘટનાની વિગતો અનુસાર, કૃષ્ણનગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે કે બહાર નીકળે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓએ તેમને ઘેરી લીધા હતા.
Ahmedabad News :ફાયર વિભાગની કામગીરી અને રેસ્ક્યુ
સ્થાનિક લોકોએ આગ જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘરની અંદર ફસાયેલા એક વૃદ્ધા અને બાળકને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયા હતા.
આગનું કારણ શું?
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર લોકોમાં ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃતિના પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો :મહેસાણામાં અકસ્માત નહીં પણ ખોફનાક આત્મહત્યા! CCTVમાં કેદ થઈ યુવકની અંતિમ પળ, ચાલતા ટ્રેલર નીચે સૂઈ ગયો




