Ahmedabad Metro Phase 2A: અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી નિર્ણય સામે આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2(A) (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં જ હવે અમદાવાદીઓ ટ્રાફિકની ઝંઝટ વગર સીધા એરપોર્ટ સુધી મેટ્રોની સફર માણી શકશે.
Ahmedabad Metro Phase 2A: ₹2,168 કરોડનો પ્રોજેક્ટ: 5 નવા આધુનિક સ્ટેશનો બનશે
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ ફેઝ-2(A) કોરિડોરની કુલ લંબાઈ 6.032 કિમી રહેશે. આ પ્રોજેક્ટ પાછળ આઈડીસી (બાંધકામ દરમિયાન વ્યાજ) સહિત અંદાજે ₹2,168.04 કરોડનો કુલ ખર્ચ કરવામાં આવશે. આ નવા રૂટ પર 5 મહત્વના સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાં 4 એલિવેટેડ (ઊંચા) અને 1 અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) સ્ટેશનનો સમાવેશ થાય છે.
નવા કોરિડોરના સ્ટેશનો:
- આશ્રમ રોડ
- કોટેશ્વર પ્રાચીન મંદિર
- સાબરમતી રિવર
- સરદાર નગર
- એરપોર્ટ (અંડરગ્રાઉન્ડ)
આ ફેઝ કાર્યરત થવાની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર પાસે કુલ 77.63 કિમીનું વિશાળ સક્રિય મેટ્રો રેલ નેટવર્ક થઈ જશે.

Ahmedabad Metro Phase 2A: વર્લ્ડ પોલીસ ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે આશીર્વાદરૂપ
આ નવો રૂટ માત્ર સામાન્ય મુસાફરો જ નહીં, પરંતુ આગામી વૈશ્વિક ઈવેન્ટ્સ માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે. અમદાવાદમાં યોજાનારી ‘વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029′ અને ‘કોમનવેલ્થ ગેમ્સ 2030’ને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં રમતગમતની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેને આ મેટ્રો સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
Ahmedabad Metro Phase 2A: આ પ્રોજેક્ટથી અમદાવાદને શું ફાયદા થશે?

- ટ્રાફિક અને સમયની બચત: એરપોર્ટ જવા માટે અત્યારે રોડ પર જે ટ્રાફિકની ગીચતા નડે છે તેમાં મોટો ઘટાડો થશે. વાહનોની અવરજવર સરળ બનશે અને મુસાફરીનો સમય અડધો થઈ જશે.
- પર્યાવરણીય ફાયદો: પરંપરાગત પેટ્રોલ-ડીઝલના વાહનોના બદલે મેટ્રોનો વપરાશ વધતાં શહેરમાં કાર્બન ઉત્સર્જન (પ્રદૂષણ)માં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
- આર્થિક અને પ્રવાસન ક્ષેત્રે વૃદ્ધિ: એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ડેપો વચ્ચે કનેક્ટિવિટી સુધરવાથી સ્થાનિક વેપાર અને પ્રવાસનને મોટો વેગ મળશે. નવા સ્ટેશનોની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓ ધમધમશે.
- રોજગારીની નવી તકો: આ પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન અંદાજે 2,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જ્યારે ઓપરેશન અને મેઈન્ટેનન્સ (જાળવણી) માટે ભવિષ્યમાં વધુ 500 લોકોને કાયમી નોકરીની તકો સાંપડશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટ મનપાની નવી બોડીનો મોટો નિર્ણય હવે દર મહિને નહીં, દર સપ્તાહે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક; સંગઠનની બાદબાકી!




