Kanu Gandhi’s American Property: મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચ દરમિયાન તેમની લાકડી પકડીને સાથે ચાલતા નાનકડા બાળકની તસવીર આજે પણ દેશ અને દુનિયામાં જાણીતી છે. આ બાળક એટલે મહાત્મા ગાંધીના પૌત્ર કનુ રામદાસ ગાંધી. જીવનના શરૂઆતના વર્ષોમાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલા રહેલા કનુ ગાંધી વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે, જીવનના અંતિમ વર્ષોમાં તેમણે અત્યંત સાદગીપૂર્ણ જીવન પસાર કર્યું હતું. વર્ષ 2016માં 87 વર્ષની વયે સુરતમાં તેમનું અવસાન થયું હતું. હવે તેમના અવસાનના વર્ષો બાદ અમેરિકામાં આવેલી તેમની 30.76 એકર જમીનને લઈને મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે. સુરતના એક સેવાભાવી ટ્રસ્ટ દ્વારા અમેરિકાની કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ લડીને આ જમીન પરનો ગેરકાયદે કબજો દૂર કરાવવામાં સફળતા મેળવી છે.

Kanu Gandhi’s American Property: નાસામાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી, અમેરિકામાં ખરીદી હતી જમીન
કનુ રામદાસ ગાંધીનું જીવન અનેક રીતે વિશિષ્ટ રહ્યું હતું. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASA અને સંરક્ષણ વિભાગમાં લાંબા સમય સુધી એડવાન્સ એરક્રાફ્ટ ડિઝાઇનિંગ ક્ષેત્રે કામગીરી કરી હતી. તેમનાં પત્ની ડૉ. શિવા ગાંધી પણ બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક તરીકે કાર્યરત હતાં.
અમેરિકામાં પાંચ દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ આ દંપતીએ નિવૃત્તિ પછી શાંતિપૂર્ણ જીવન જીવવાના હેતુથી વર્જિનિયા રાજ્યના ફ્રન્ટ રોયલ શહેરમાં 30.76 એકર જમીન ખરીદી હતી. આ જમીન વોરેન કાઉન્ટીના જોય સ્પ્રિંગ સબડિવિઝનમાં આવેલી છે અને શેનાન્ડોહ નેશનલ પાર્કની નજીક કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ વિસ્તારમાં સ્થિત છે. જોકે, બાદમાં ભારત પરત ફરીને સમાજસેવા કરવાનો નિર્ણય લેતાં કનુભાઈ અને શિવાબેન વર્ષ 2013-14 દરમિયાન કાયમી વસવાટ માટે ભારત આવી ગયાં હતાં.

Kanu Gandhi’s American Property: અમેરિકાની કરોડોની જમીન પર સ્થાનિક વ્યક્તિએ કર્યો કબજો
કનુ ગાંધી અને તેમનાં પત્ની ભારત પરત આવ્યા બાદ અમેરિકામાં આવેલી તેમની જમીનની નિયમિત દેખરેખ રાખનાર કોઈ ન હતું. પરિણામે આ જમીન લાંબા સમય સુધી અવ્યવસ્થિત અને બિનદેખરેખ હેઠળ રહી હતી. આ દરમિયાન સ્થાનિક વ્યક્તિ ગ્રેગરી ઈ. બ્લેકે જમીન પર ધીમે ધીમે કબજો જમાવવાનું શરૂ કર્યું હતું.
આક્ષેપ મુજબ, તેણે જમીન પર શિકાર માટે ટ્રી-સ્ટેન્ડ, રસ્તાઓ અને કલવર્ટ બનાવ્યાં હતાં. એટલું જ નહીં, ત્યાં લાકડાનું નાનું મકાન પણ ઊભું કરીને પોતાનો કબજો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, કનુ ગાંધી ભારતમાં દિલ્હી અને ત્યારબાદ સુરત નજીક આવેલા મરોલીના કસ્તૂરબા સેવાશ્રમ સાથે જોડાઈને સાદગીપૂર્ણ જીવન જીવતા રહ્યા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અમેરિકામાં આવેલી આ મિલકત અંગે જાહેરમાં કોઈ ખાસ ચર્ચા કરી નહોતી.
Kanu Gandhi’s American Property: શિવાબેને મૃત્યુ પહેલાં સોંપ્યા જમીનના ગુપ્ત દસ્તાવેજો
વર્ષ 2013 દરમિયાન કનુ ગાંધીનો સંપર્ક સુરતના જાણીતા કેળવણીકાર અને કસ્તૂરબા સેવાશ્રમ મરોલીના ટ્રસ્ટી પરિમલ ગુણવંતરાય દેસાઈ સાથે થયો હતો. કનુભાઈનાં બહેન ઉષાબેન ગોકાણી મારફતે આ પરિચય થયો હતો. ત્યારબાદ કનુભાઈ અને શિવાબેન સુરત આવ્યા અને પરિમલ દેસાઈ સાથે આત્મીય સંબંધો બંધાયા હતા. તેઓ આઈ.જી. દેસાઈ સર્વોદય સ્કૂલનાં બાળકો સાથે પણ સમય પસાર કરતા હતા.
વર્ષ 2016માં કનુ ગાંધીનું સુરતમાં અવસાન થયું હતું. જોકે, અમેરિકાની જમીન અંગેની જાણકારી વર્ષ 2018માં તેમના પત્ની શિવાબેને પરિમલ દેસાઈને આપી હતી. પરિમલ દેસાઈના જણાવ્યા અનુસાર, શિવાબેને તેમને બોલાવીને અમેરિકામાં આવેલી જમીનના દસ્તાવેજો અને જરૂરી માહિતી સોંપી હતી. તેમણે લેપટોપમાં રહેલા ગુપ્ત દસ્તાવેજો પણ આપ્યા હતા અને આ સંપત્તિ અંગે કોઈને જાણ ન કરવાની સૂચના આપી હતી.
શિવાબેનનું વર્ષ 2020માં કોવિડકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ આ જમીન અને તેની માલિકી સંબંધિત કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવાની જવાબદારી પરિમલ દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવી હતી.
Kanu Gandhi’s American Property: ભારત અને અમેરિકાની કોર્ટમાં કાનૂની લડાઈ
કનુ ગાંધી અને શિવા ગાંધીના વસિયતનામા અનુસાર તેમની સંપત્તિ ‘ડૉક્ટર શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ’ને સોંપવામાં આવી હતી. આ ટ્રસ્ટ ગુજરાત સરકારમાં રજિસ્ટર્ડ છે. મિલકતના કાયદેસર હક અને વારસાઈ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રથમ સુરતની કોર્ટમાંથી અને ત્યારબાદ અમેરિકાના વર્જિનિયા રાજ્યની કોર્ટમાંથી પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું હતું.
જ્યારે ટ્રસ્ટ દ્વારા અમેરિકામાં આવેલી જમીન વેચીને તેની રકમ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવાની તૈયારી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રેગરી બ્લેકના વકીલ તરફથી ટ્રસ્ટને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લાંબા સમયથી જમીન પર કબજો હોવાથી ટ્રસ્ટનો માલિકી હક માન્ય નથી. આ સાથે ટ્રસ્ટને જમીનમાં પ્રવેશ ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ પરિસ્થિતિમાં ટ્રસ્ટ સામે અમેરિકાની કોર્ટમાં કાનૂની લડાઈ લડવાનો પડકાર ઊભો થયો હતો.
Kanu Gandhi’s American Property: AIની મદદથી વિરોધી પક્ષની 25 કાનૂની ભૂલો શોધી
અમેરિકામાં કાનૂની લડાઈ લડવી ખર્ચાળ હોવાથી ટ્રસ્ટ માટે આર્થિક પડકાર પણ મોટો હતો. અમેરિકન વકીલોની ઊંચી ફી અને લાંબી કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પરિમલ દેસાઈએ કેસના દસ્તાવેજોનું જાતે વિશ્લેષણ કરવાનો નિર્ણય લીધો હતો.
પરિમલ દેસાઈના જણાવ્યા અનુસાર, આ લડાઈ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નાં બે-ત્રણ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિરોધી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા દાવા અને દસ્તાવેજોનું AIની મદદથી ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં દસ્તાવેજોના અલગ-અલગ પાનાં પર રહેલી અંદાજે 24થી 25 કાનૂની ક્ષતિઓ અને ભૂલો શોધવામાં આવી હતી.
આ તમામ મુદ્દાઓ અમેરિકન વકીલને મોકલવામાં આવ્યા હતા. શરૂઆતમાં વકીલે આ મુદ્દાઓને પૂરતું મહત્વ આપ્યું ન હોવાનું પરિમલ દેસાઈએ જણાવ્યું હતું. જોકે, ત્યારબાદ ઇમેઇલ મારફતે આ મુદ્દાઓને કોર્ટમાં રજૂ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. આમ, ટેક્નોલોજી અને કાનૂની દસ્તાવેજોના વિશ્લેષણથી ટ્રસ્ટની લડાઈને મહત્વપૂર્ણ આધાર મળ્યો હતો.
Kanu Gandhi’s American Property: વર્જિનિયા કોર્ટનો ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો
લગભગ 19થી 20 મહિના સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આખરે ટ્રસ્ટને મોટી સફળતા મળી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા વસિયતનામા, ઐતિહાસિક દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે ગ્રેગરી બ્લેકનો એડવર્સ પઝેશન એટલે કે લાંબા સમયના કબજાના આધારે માલિકી હકનો દાવો ટકી શક્યો નહોતો.
આ કેસમાં જ્યુરીએ સર્વાનુમતે ટ્રસ્ટની તરફેણમાં અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ જજે કાયદાકીય પાસાઓની તપાસ કરીને ટ્રસ્ટની તરફેણમાં અંતિમ ચુકાદો આપ્યો હતો. વર્જિનિયા કાયદાની કલમ 8.01-155 હેઠળ પાર્સલ જી-1 તરીકે ઓળખાતી 30.76 એકર જમીનનો કબજો ટ્રસ્ટને પરત સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટના આદેશ અનુસાર ગેરકાયદે કબજો જમાવનાર વ્યક્તિએ 30 દિવસની અંદર જમીન પર બનાવેલી લાકડાની ઝૂંપડી, શિકાર માટેના મંચ અને અન્ય સામાન દૂર કરવાનો રહેશે. જો તે સ્વેચ્છાએ જમીન ખાલી નહીં કરે તો સ્થાનિક શેરિફની મદદથી કાયદેસરની કાર્યવાહી કરીને જમીનનો કબજો ટ્રસ્ટને સોંપવામાં આવશે.
Kanu Gandhi’s American Property: જમીન વેચીને ગરીબ બાળકોના શિક્ષણ માટે બનશે સેન્ટર ઓફ એક્સલન્સ
આ સમગ્ર કાનૂની લડાઈ પાછળનો મુખ્ય હેતુ માત્ર સંપત્તિ પરત મેળવવાનો નથી, પરંતુ કનુ ગાંધી અને શિવા ગાંધીની અંતિમ ઇચ્છાને સાકાર કરવાનો છે. પરિમલ દેસાઈના જણાવ્યા અનુસાર, આ દંપતી ઇચ્છતું હતું કે તેમની સંપત્તિનો ઉપયોગ સમાજના પછાત, નબળા અને આર્થિક રીતે વંચિત વર્ગના બાળકોના શિક્ષણ અને ઉત્થાન માટે કરવામાં આવે.
શિવાબેને આ અંગે ઓડિયો રેકોર્ડિંગ પણ રાખ્યાં હતાં, જેમાં બાળકોને ઉત્તમ શિક્ષણ આપીને તેમને સારા અધિકારીઓ અને સક્ષમ નાગરિકો બનાવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
હવે આ જમીન વેચીને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ અદ્યતન ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ બનાવવા માટે કરવાની ટ્રસ્ટની યોજના છે. આ કેન્દ્ર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિકાસની તકો પૂરી પાડવાનો હેતુ છે.
આમ, મહાત્મા ગાંધીની દાંડીકૂચમાં બાળપણમાં તેમની સાથે ચાલેલા કનુ ગાંધીની અમેરિકામાં આવેલી જમીન પરત મેળવવાની આ લડાઈ માત્ર મિલકતના વિવાદ પૂરતી મર્યાદિત નથી. આ સંપત્તિનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવાની યોજના સાથે જોડાયેલી છે. જો અપીલની પ્રક્રિયા ન થાય અને કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી પૂર્ણ થાય તો આ જમીનનો કબજો ટ્રસ્ટને સોંપાશે અને ગાંધી દંપતીની સેવાભાવનાને શિક્ષણના માધ્યમથી આગળ વધારવાનો માર્ગ મોકળો બનશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

