HomeSuratSurat Textile Market Fire: રૂ.10 હજારના વિવાદમાં રૂ.24 કરોડનું નુકસાન! એકાઉન્ટન્ટે 14...

Surat Textile Market Fire: રૂ.10 હજારના વિવાદમાં રૂ.24 કરોડનું નુકસાન! એકાઉન્ટન્ટે 14 દુકાનોમાં લગાવી આગ

Surat Textile Market Fire: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આગને અકસ્માત માનવામાં આવી રહી હતી, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં માર્કેટની એક દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા 33 વર્ષીય વિનોદ પંડીત સાવલેની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ મુજબ, આરોપીએ માત્ર રૂ.150ના પેટ્રોલનો ઉપયોગ કરીને આગ લગાવવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીના ગુસ્સા અને માલિક સાથેના પગારના વિવાદના કારણે માર્કેટમાં આગ લગાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ આગ એટલી ભીષણ બની હતી કે માર્કેટની અંદર રહેલા મોટા પ્રમાણમાં કાપડના પાર્સલ અને બોક્સને કારણે આગ ઝડપથી અન્ય દુકાનો સુધી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનામાં અંદાજે રૂ.24 કરોડની કાપડની મિલકત બળીને ખાખ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: CCTVમાં કેદ થયો આગ લગાવવાનો સમગ્ર ઘટનાક્રમ

આ સમગ્ર ઘટનાનો મહત્વનો પુરાવો CCTV કેમેરામાં કેદ થયો હતો. CCTV ફૂટેજમાં આરોપી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટના છઠ્ઠા માળે પહોંચતો જોવા મળે છે. ત્યારબાદ તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ બહાર કાઢે છે અને દુકાનની બહાર રાખવામાં આવેલા કાપડના બોક્સ તથા પાર્સલ પર પેટ્રોલ છાંટે છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પ્રથમ પ્રયાસમાં માચીસની મદદથી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ સફળ થયો નહોતો. ત્યારબાદ તેણે ફરી પ્રયાસ કર્યો અને આગ લગાવવામાં સફળ રહ્યો હતો. આગ ભભૂકી ઊઠ્યા બાદ આરોપી ત્યાંથી ઝડપથી પેસેજ તરફ ભાગી ગયો હતો. ભાગતા પહેલાં તેણે પાછળ વળીને આગ બરાબર લાગી છે કે નહીં તેની ખાતરી પણ કરી હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળ્યું હતું.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: નોકરી છોડ્યા બાદ માલિક સામે રોષ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિનોદ સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639, જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તેણે એપ્રિલ 2026માં રૂ.30 હજારના પગાર પર નોકરી શરૂ કરી હતી. જોકે, એકાઉન્ટનું કામ યોગ્ય રીતે ન આવડતું હોવાના મુદ્દે તેનો દુકાનના માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે વિવાદ થયો હતો.

આ વિવાદ બાદ વિનોદે જૂન મહિનામાં નોકરી છોડી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને લાગતું હતું કે તેના રૂ.10 હજાર બાકી છે. આ રકમને લઈને માલિક સાથે થયેલા વિવાદથી તે નારાજ હતો અને માલિકને પાઠ ભણાવવાનો વિચાર તેના મનમાં આવ્યો હતો.

જોકે, પોલીસની પૂછપરછમાં માલિક તરફથી તેનો સંપૂર્ણ પગાર ચૂકવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, રૂ.10 હજારના ડિફરન્સ અંગેની ગેરસમજને કારણે આરોપીએ આટલું ગંભીર પગલું ભર્યું હતું.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: પેટ્રોલ લઈને આખી રાત માર્કેટમાં છુપાયો

પોલીસ તપાસ મુજબ, આરોપીએ આગ લગાવવાનો પ્લાન અગાઉથી બનાવ્યો હતો. આ માટે તેણે દેવધ ગામના પેટ્રોલ પંપ પરથી રૂ.150નું પેટ્રોલ લીધું હતું. પેટ્રોલને પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરીને તે 8 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યે શ્યામ સંગીની માર્કેટમાં પહોંચ્યો હતો.

માર્કેટમાં પ્રવેશ્યા બાદ વિનોદ પાંચમા માળે આવેલી સીડીઓ પાસે છુપાઈને બેસી રહ્યો હતો. રાત્રે લગભગ 12:30 વાગ્યે માર્કેટમાં લોકોની અવરજવર ઓછી થઈ અને સમગ્ર વિસ્તાર સુમસાન થયા બાદ તેણે પોતાની યોજના અમલમાં મૂકી હતી. તેણે બંધ દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ અને પાર્સલ પર પેટ્રોલ છાંટ્યું અને આગ લગાવી દીધી હતી.

કાપડના પાર્સલ મોટી સંખ્યામાં એકબીજાની નજીક રાખવામાં આવ્યા હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે માર્કેટની અનેક દુકાનો પ્રભાવિત થઈ હતી અને આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડને લાંબો સમય ભારે જહેમત કરવી પડી હતી.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: 1500થી વધુ CCTV કેમેરાની મદદથી આરોપી સુધી પહોંચ્યા

ઘટના બાદ સારોલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી સુધી પહોંચવા માટે સુરત પોલીસના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ ફેઝ-2 હેઠળ લગાવવામાં આવેલા 1500થી વધુ CCTV કેમેરાના ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની માર્કેટમાં એન્ટ્રીથી લઈને બહાર નીકળવા સુધીનું બેકવર્ડ અને ફોરવર્ડ ટ્રેકિંગ કર્યું હતું. અલગ-અલગ CCTV ફૂટેજને જોડીને તપાસ કરતાં પોલીસને આરોપીની ઓળખ કરવામાં સફળતા મળી હતી. તપાસમાં આરોપી ડિંડોલીની બીલીપત્ર રેસિડેન્સીનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું હતું.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: ગુનો કર્યા બાદ પત્ની અને બાળક સાથે રાજસ્થાન અને અયોધ્યા ભાગ્યો

આગ લગાવ્યા બાદ વિનોદને જ્યારે સોશિયલ મીડિયા મારફતે આગની ઘટનાની જાણ થઈ અને પોતાના વિરુદ્ધ FIR નોંધાઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે તે ગભરાઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને પત્ની તથા બાળક સાથે સુરત છોડ્યું હતું.

પોલીસ તપાસ મુજબ, આરોપી પહેલા રાજસ્થાનના ખાટુશ્યામ ગયો હતો અને ત્યારબાદ અયોધ્યા તરફ ભાગી ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત તેની શોધખોળ કરી રહી હતી. આરોપી સુરત પરત ફર્યો હોવાની બાતમી મળતાં પોલીસ સતર્ક થઈ હતી.

ડિંડોલીના ફ્લાવર ગાર્ડન નજીક આરોપી પહોંચ્યો ત્યારે બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ગણપતિ બંદોબસ્તમાં તૈનાત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો.

Surat Textile Market Fire

Surat Textile Market Fire: પેટ્રોલ પંપ સામે પણ કાર્યવાહી અંગે તપાસ

સુરતના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાના જણાવ્યા મુજબ, આરોપીએ માત્ર ત્રણ મહિના જેટલો સમય નોકરી કરી હતી અને કામ ન ફાવતા જૂનના પ્રથમ સપ્તાહમાં નોકરી છોડી દીધી હતી. હાલની પોલીસ તપાસમાં આરોપીના પગાર અને રૂ.10 હજારના કથિત ડિફરન્સને લઈને ગેરસમજ હોવાની વિગતો સામે આવી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર ઘટનામાં તેની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. આગ લગાવવા માટે પેટ્રોલ મેળવવામાં આવ્યું હોવાને કારણે પેટ્રોલ પંપની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને નિયમોના ભંગ અંગે જવાબદારી નક્કી થયા બાદ કાર્યવાહી કરવાની વાત પોલીસે કરી છે.

માત્ર રૂ.10 હજારના વિવાદ અને વ્યક્તિગત રોષમાંથી શરૂ થયેલા આ કૃત્યના કારણે ટેક્સટાઈલ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV ફૂટેજ, આરોપીની પૂછપરછ અને આગની ઘટનાને લગતા અન્ય પુરાવાઓના આધારે સમગ્ર કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સપ્લાયમાં અછત સર્જાય તો પેટ્રોલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે : પેટ્રોલિયમ મંત્રી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments