Monsoon Fury Returns: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે ફરી જોર પકડ્યું છે. 18 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં નદી-નાળા અને ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 68 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન પણ 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Monsoon Fury Returns: આગામી સાત દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની સંભાવના છે. આજે રાજ્યના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ તથા વડોદરા સહિત આઠ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી એટલે કે 24.28 ઈંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 673.9 મીમી એટલે કે 26.53 ઈંચ વરસાદ થવો જોઈએ. આમ, રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા વરસાદની ઘટ છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય કરતાં 23 ટકા વરસાદ ઓછો નોંધાયો છે.
Monsoon Fury Returns: વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે 6.5થી 11.5 સેન્ટીમીટર એટલે કે અંદાજે 2.55થી 4.52 ઈંચ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતની આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આવતીકાલે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થવાની શક્યતા છે. ઉપરાંત, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના સ્વરૂપમાં સક્રિય છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહી શકે છે.

Monsoon Fury Returns: ગીર ગઢડાથી તાલાલા સુધી નદીઓમાં પૂર
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીની આવક વધી છે. ગીર ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં થોરડી ગામ નજીકથી પસાર થતી સાંગાણી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતાં આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચિંતા જોવા મળી હતી.
તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. બામણસા, આંકોલવાડી અને માધુપુર સહિતના ગામોમાં એક કલાકમાં આશરે બે ઈંચ વરસાદ પડતાં વોકળા અને નદીઓમાં પૂર આવ્યું છે.

Monsoon Fury Returns: ખાંભામાં ચેકડેમ છલકાયો
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી, ભાણિયા સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ભાણિયા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે. ગીર જંગલ વિસ્તારમાં પણ સારો વરસાદ થતાં ભાણિયા ગામનો સ્થાનિક ચેકડેમ છલકાઈ ગયો છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Monsoon Fury Returns: રાધનપુરમાં મસ્જિદના મિનારા પર વીજળી પડી
પાટણ જિલ્લાના રાધનપુરમાં વરસાદી માહોલ વચ્ચે વોરવાળ સૈફી મોહલ્લામાં આવેલી મસ્જિદના મિનારા પર વીજળી પડવાની ઘટના બની છે. વીજળી પડતાં મસ્જિદના મિનારાને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Monsoon Fury Returns: અંબાજીમાં રસ્તાઓ પર પાણી ભરાયા
બનાસકાંઠાના અંબાજીમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું. રસ્તાની સાઈડમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલરના અડધા ટાયર પાણીમાં ડૂબી ગયા હતા. અચાનક પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Monsoon Fury Returns: રાજકોટની બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનની અસર હવાઈ વ્યવહાર પર પણ જોવા મળી હતી. આજે સવારે મુંબઈથી રાજકોટ આવતી બે ફ્લાઈટને ખરાબ હવામાનના કારણે વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફ્લાઈટમાં સવાર 200થી વધુ મુસાફરોને કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હિરાસર વિસ્તારમાં વરસાદી સ્થિતિને કારણે વિમાનના ઉતરાણમાં મુશ્કેલી સર્જાઈ હતી. હાલ બે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Monsoon Fury Returns: રાજ્યના 43 ડેમ હાઈ એલર્ટ પર
ભારે વરસાદ વચ્ચે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે. રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ ક્ષમતાના 95.55 ટકા જળસંગ્રહ છે. ડેમમાં 38,847 ક્યુસેક પાણીની આવક સામે 41,746 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.
રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 3,88,095 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 69.56 ટકા જેટલો છે. રાજ્યના 206 ડેમમાંથી 27 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 37 ડેમ 70થી 100 ટકા, 27 ડેમ 50થી 70 ટકા, 41 ડેમ 25થી 50 ટકા અને 74 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
સુરક્ષા અને પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્યના 43 ડેમને હાઈ એલર્ટ, 11 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
Monsoon Fury Returns: સુરતમાં પણ ધોધમાર વરસાદ
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના વરાછા, અડાજણ, કતારગામ અને ઉધના સહિતના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને સામાન્ય જનજીવન પર પણ વરસાદની અસર જોવા મળી હતી.
આ રીતે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે. નદીઓ, વોકળા અને ચેકડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી છે, પરંતુ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદ સહિત 8 જિલ્લામાં યલો એલર્ટ; 64 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

