Gujarat Monsoon Fury: રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ ૧૨મી સપ્ટેમ્બરથી પુનઃ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમે સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ચોમાસાની આ બીજી ઈનિંગ અત્યંત તોફાની અને ધમાકેદાર સાબિત થઈ રહી છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના માત્ર ૮ કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં ૫.૪૩ ઇંચ અને અમદાવાદના ધોળકામાં ૪ ઇંચ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય ૨૯ જેટલા તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના ૧૨ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા તાકીદ કરી છે.

Gujarat Monsoon Fury: ૧૨ જિલ્લામાં રેડ એલર્ટ, સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ આગાહી મુજબ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સાંજના ૪ વાગ્યા સુધી ‘રેડ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ૪૧ થી ૬૧ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે ૧૫ મિમી/કલાક કરતાં વધુ અનરાધાર વરસાદ અને વીજળી પડવાની ૩૦ થી ૬૦ ટકા શક્યતા દર્શાવાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, ટ્રાફિક જામ તેમજ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ભીતિ છે.
આ સિવાય કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ અને દમણ સહિતના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Gujarat Monsoon Fury: જૂનાગઢમાં કાળવા નદીમાં ઘોડાપૂર, દાતાર પર્વત પરથી પાણીના ધોધ વહ્યા
જૂનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર શહેરની જીવાદોરી સમાન કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જ્યારે પવિત્ર દામોદર કુંડમાં પણ નવા નીરની ભરપૂર આવક નોંધાઈ છે. ઉપરવાસમાં અને ખાસ કરીને ઉપલા દાતાર પર્વત પર સાંબેલાધાર વરસાદ તૂટી પડતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા હતા. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં તે ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.

તાલાલામાં આંબાકુઇ નદી ગાંડીતૂર: સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય રસ્તાઓ બંધ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને વેરાવળ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. તાલાલા ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને કારણે ખીરધાર, ધણેજ અને જેપુર વિસ્તારમાંથી પસાર થતી આંબાકુઇ નદીમાં વિકરાળ પૂર આવ્યું છે. આ પૂરના કારણે તાલાલાથી ખીરધાર ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. ઘુસિયા ગામ પાસે તાલાલા-વેરાવળ સ્ટેટ હાઈવે તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જોકે, આ વરસાદથી તાલાલા પંથકના ખેડૂતોના સુકાઈ રહેલા પાકને નવજીવન મળતાં ધરતીપુત્રોમાં હર્ષની હેલી જોવા મળી છે.
Gujarat Monsoon Fury: વડોદરામાં રોડ ગરકાવ, પાદરામાં ખાડામાં દાદી-પૌત્રી ખાબક્યાં
વડોદરા શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો અને રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વિઘ્નો વચ્ચે પણ ગણેશભક્તોમાં ગણપતિ બાપ્પાના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન વડોદરાના પાદરામાં જાસપુર ચોકડી નજીક આવેલા સિટી સેન્ટર પાસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. નવીન ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કરાયેલા ઊંડા ખાડામાં રસ્તે ચાલીને જઈ રહેલી એક મહિલા પોતાની પૌત્રી સાથે અચાનક ખાબકી હતી. દાદી-પૌત્રી ખાડામાં પડતાં જ બૂમાબૂમ થઈ ગઈ હતી, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને સમયસૂચકતા વાપરી બંનેને હેમખેમ બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી.
Gujarat Monsoon Fury: રાજકોટ અને અમદાવાદમાં વરસાદી માહોલ
રાજકોટ શહેરમાં બપોરે ૩ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ઉકળાટ અને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી હતી. અમદાવાદ શહેરમાં પણ કાળાડિબંગ વાદળોના કારણે અંધારપટ છવાઈ ગયો હતો અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે વરસાદના પગલે સુરતમાં અનેક માર્ગો પર વાહનોની લાંબી લાઈનો સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

