Hit-and-Run in Ahmedabad: અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં ગત રાત્રિના સુમારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નંબર પ્લેટ કે કાચ પર ‘પોલીસ’ લખેલી પ્લેટ ધરાવતી એક બેકાબુ કારે માર્ગ પર ભારે આતંક મચાવી એક પછી એક કુલ છ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ હચમચાવી દેતી દુર્ઘટનાને પગલે શાંત વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર બનાવ બોપલના અક્ષરધામ બંગલોઝ વિસ્તાર નજીક રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ બન્યો હતો. કારચાલકની અવિચારી અને પૂરપાટ ઝડપે ચલાવવાની લાલચે માર્ગ પર પાર્ક કરેલા તેમજ પસાર થતા બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલર વાહનોને કચડીને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.

Hit-and-Run in Ahmedabad: સ્થાનિકોમાં ભારે આક્રોશ: કારચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ
ઘટના સમયે ઘરની બહાર ઊભેલા અને આ મામલે ફરિયાદ નોંધાવનાર સ્થાનિક નાગરિક નિશિથ શાહના જણાવ્યા અનુસાર, રાત્રિના સુમારે અચાનક એક પછી એક જોરદાર ધડાકા અને અકસ્માતનો મોટો અવાજ સંભળાતા સોસાયટીના રહીશો તેમજ આસપાસના લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો અકસ્માત સર્જનારી કાર તેમની ડસ્ટર કાર સહિત અન્ય વાહનોને જોરદાર ટક્કર મારીને છેવટે થંભી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપ મુજબ, કાર ચલાવી રહેલો શખ્સ સંપૂર્ણપણે નશાની હાલતમાં જણાઈ રહ્યો હતો અને તે ભાન ભૂલેલી સ્થિતિમાં ગાડી ચલાવી રહ્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કાર પર લાગેલી ‘પોલીસ’ લખેલી પ્લેટ જોઈને ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ઘટનાસ્થળના પુરાવા રૂપે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
Hit-and-Run in Ahmedabad: બોપલ પોલીસ દ્વારા ચાલકની અટકાયત, પરંતુ સવાલો યથાવત્
બનાવની જાણ થતાં જ બોપલ પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને અકસ્માત સર્જનાર કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ સમગ્ર બનાવમાં પોલીસની કામગીરી અને તપાસ સામે અનેક શંકાસ્પદ સવાલો ઊભા થઈ રહ્યા છે. અટકાયત કરાયેલ કારચાલક ખરેખર પોલીસ વિભાગનો કર્મચારી કે અધિકારી છે કે કેમ, તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. આ ઉપરાંત, જો તે પોલીસ વિભાગમાં ન હોય તો પછી ખાનગી કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ શા માટે અને કોના ઈશારે લગાવીને ફરતો હતો તે પણ એક મોટો તપાસનો વિષય બન્યો છે.
Hit-and-Run in Ahmedabad: એફઆઈઆરમાં ‘પોલીસ’ પ્લેટના ઉલ્લેખ અંગે વિવાદ
સ્થાનિક અહેવાલો મુજબ, નોંધાયેલી પ્રાથમિક ફરિયાદમાં કાર પર લાગેલી ‘પોલીસ’ લખેલી પ્લેટ બાબતે કોઈ સ્પષ્ટ કે વિસ્તૃત ઉલ્લેખ ન કરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં પોલીસની નિષ્પક્ષ તપાસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શું આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે પછી કાયદાનો દુરુપયોગ કરનાર સામે કડક પગલાં ભરાશે, તે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ બોપલ પોલીસે આ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલા વાહનોના પંચનામા સહિત સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

