BRICS Summit in New Delhi: રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી BRICS સમિટ માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. વૈશ્વિક નેતાઓ અને પ્રતિનિધિઓના સ્વાગત માટે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક રજૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ‘ગુજરાતી ટચ’ કેન્દ્રસ્થાને રહ્યો છે. સમિટ પૂર્વે ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વની દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી અને બંને નેતાઓએ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું.

BRICS Summit in New Delhi: મહેમાનો માટે ખાસ ‘દેશી ગુડી બેગ’ અને ODOP પ્રદર્શન
સમિટમાં ભાગ લેવા આવેલા વિદેશી પ્રતિનિધિઓ અને મહાનુભાવોને ભારતીય વિવિધતાથી વાકેફ કરવા માટે એક વિશેષ ‘દેશી ગુડી બેગ’ ભેટ આપવામાં આવી રહી છે. આ બેગમાં ગુજરાતનો પ્રખ્યાત પરંપરાગત દુપટ્ટો, બિહારનું સત્તુ અને મખાના, કેરળની સ્પેશિયલ કેળાની ચિપ્સ તેમજ ઓડિશાની સુગંધિત કોફીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત મંડપમમાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) હેઠળ દેશભરની ૭૦ અનોખી કલા અને હસ્તકલાના ઉત્પાદનોનું પ્રદર્શન ગોઠવાયું છે, જે દેશના ૭૭૦ જિલ્લાઓના ૧,૨૦૦થી વધુ સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના અભિયાનનો ભાગ છે.

BRICS Summit in New Delhi: પુરીના દરિયાકિનારે રેતી શિલ્પ થકી અનોખું સ્વાગત
BRICS નેતાઓના આગમનને વધાવવા ઓડિશાના પુરી બીચ પર જાણીતા સેન્ડ આર્ટિસ્ટ માનસ કુમાર સાહુએ રેતીમાંથી ભવ્ય કલાકૃતિ તૈયાર કરી છે. આ સેન્ડ આર્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના જીવંત ચિત્રો કંડારવામાં આવ્યા છે, જે સમિટ પૂર્વે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

BRICS Summit in New Delhi: ફાઈટર જેટ્સ અને આકાશ મિસાઈલ સાથે સુરક્ષા અભેદ્ય
દિલ્હીમાં સમિટને લઈને પ્રજાસત્તાક પર્વ જેવી અભૂતપૂર્વ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોના ૩૦ હજારથી વધુ જવાનો ખડેપગે તૈનાત છે. એર ડિફેન્સ માટે દેશી ‘આકાશ’ મિસાઈલો તેમજ વાયુસેનાના લડાકુ ફાઈટર જેટ્સ સતત આકાશમાંથી પહેરો ભરી રહ્યા છે. વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો માટે ૧૧ લક્ઝરી હોટલો અને ૩૫ સુરક્ષિત કોરિડોર નિયત કરાયા છે. તમામ રૂટ્સ પર ફેસ રિકોગ્નિશન સીસીટીવી કેમેરા, એન્ટી-એરક્રાફ્ટ ગન, અત્યાધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ અને હાઈરાઈઝ બિલ્ડિંગ્સ પર સ્નાઈપર્સ ગોઠવીને રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ભાડાના મનસ્વી નિયમો પર લગામ, ડિપોઝિટથી ભાડાવધારા સુધી કાયદાકીય જોગવાઈ

