Patan Ward 11 Drainage Row: પાટણ શહેરના વોર્ડ નંબર 11માં લાંબા સમયથી વણઉકેલાયેલી ભૂગર્ભ ગટરની વિકટ સમસ્યાને લઈને હવે ઉચ્ચ કક્ષાએથી હિલચાલ શરૂ થઈ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો અને ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત રીજનલ કમિશનર મ્યુનિસિપાલિટીઝની કચેરીના ઉચ્ચ અધિકારીઓ સીધા પાટણ દોડી આવ્યા હતા. ગાંધીનગર ઝોનના રીજનલ મ્યુનિસિપલ કમિશનર બી.એમ. પટેલે રૂબરૂ પાટણની મુલાકાત લઈને મામલાની ગંભીરતા સમજી સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Patan Ward 11 Drainage Row: ધારાસભ્ય કિરીટ પટેલ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક
પાટણ પહોંચેલા રીજનલ કમિશનર બી.એમ. પટેલે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટર લાઈનો ચોકઅપ થવી, ગંદા પાણીના બેક મારવા, માર્ગો પર ગટરના પાણી ફરી વળવા તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્ય સામે ઊભા થયેલા જોખમો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલે સમગ્ર વિસ્તારના લોકો જે યાતના ભોગવી રહ્યા છે તેની વિગતવાર માહિતી કમિશનર સમક્ષ મૂકી હતી અને આ પ્રશ્નનું તાકીદે કાયમી ટેકનિકલ નિરાકરણ લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

Patan Ward 11 Drainage Row: સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ અને વહીવટી દોડધામ
વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટરની લાઈનો બેસી જવાથી કે લીકેજ થવાના કારણે અવારનવાર ગટરના ગંદા પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાઈ જવાની ફરિયાદો ઉઠી રહી હતી. દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ ફેલાયેલો હતો. સ્થાનિક પાલિકા સ્તરે આ પ્રશ્નનો ઉકેલ ન આવતા મામલો ગાંધીનગર કક્ષાએ પહોંચ્યો હતો. ઉચ્ચ અધિકારીના આગમનથી પાટણ નગરપાલિકાના ઈજનેરી વિભાગ અને સંબંધિત સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી.
Patan Ward 11 Drainage Row: બી.એમ. પટેલ (રીજનલ કમિશનર મ્યુનિસિપાલિટીઝ, ગાંધીનગર) નું નિવેદન:
“પાટણ શહેરના વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટર સંદર્ભે જે રજૂઆતો મળી હતી, તેને લઈને આજે પાટણની મુલાકાત લીધી છે. માનનીય ધારાસભ્યશ્રી સાથે સમગ્ર પ્રોજેક્ટ, ડ્રેનેજ નેટવર્કની ક્ષમતા અને ટેકનિકલ ખામીઓ અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જ્યાં પણ લાઈનો જામ થઈ છે અથવા નવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, ત્યાં પાલિકાના અધિકારીઓને તાત્કાલિક રીપેરિંગ અને સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપી દેવામાં આવી છે. નાગરિકોને ગંદકીમાંથી વહેલી તકે મુક્તિ મળે તે માટે કાયમી ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

