Monsoon Update: ગુજરાતમાં ચોમાસુ ફરી એકવાર જોર પકડી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહિસાગરના બાલાસિનોર અને ખેડાના કઠલાલમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઇમાં સવા બે ઈંચ અને અન્ય 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમી વરસાદની સ્થિતિ જોઈએ તો, અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સરેરાશ કરતા 1 ટકા વધુ છે.

Monsoon Update: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે (15 ઓગસ્ટ) સવારથી જ વલસાડ, સુરત, દાહોદ અને ડાંગના છુટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના દમણ અને દાદરા-નગર હવેલી સહિતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે જ 16 અને 17 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
Monsoon Update: તાપમાનમાં મોટો ઘટાડો: સુરત સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં સક્રિય હવામાન સિસ્ટમોના કારણે તાપમાનમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે:
- દમણમાં તાપમાન ગગડ્યું: ગઇકાલે (13 ઓગસ્ટે) 34 ડિગ્રી સાથે સૌથી ગરમ રહેલું દમણનું તાપમાન 14 ઓગસ્ટે એકસાટક 4.4 ડિગ્રી ઘટીને 29.6 ડિગ્રી થઈ ગયું હતું.
- સુરત સૌથી ઠંડુ: સુરત શહેર સતત બીજા દિવસે પણ સૌથી ઓછું મહત્તમ તાપમાન (28.6 ડિગ્રી) ધરાવતું રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
- અન્ય વિસ્તારોમાં કંડલામાં 2 ડિગ્રી, ડીસામાં 1.5 ડિગ્રી અને ભૂજમાં 1.4 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
Monsoon Update: 6 સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત કુલ 6 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

