Rain Alert in Gujarat: ગુજરાતભરમાં ચોમાસાની સક્રિય સિસ્ટમ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોન્સુન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી મહત્વની મૌસમી સિસ્ટમ્સ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને આકાશમાંથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી.
Rain Alert in Gujarat: રાજ્યમાં સરેરાશ કરતા ૯ ટકા વધુ વરસાદ નોંધાયો
ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર નાખીએ તો, રાજ્યમાં વરસાદની અનિયમિત અને અસમાન સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીના આંકડા મુજબ ગુજરાતમાં સામાન્ય રીતે સિઝનનો ૪૪૧.૮ મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે અત્યાર સુધીમાં સરેરાશ ૪૮૧.૭ મિમી એટલે કે સામાન્ય કરતાં આશરે ૯ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સરેરાશ આંકડો સંતોષકારક જણાય છે, પરંતુ જિલ્લાવાર વિતરણમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

Rain Alert in Gujarat: ગુજરાત સીજનમાં ૨૮ ટકા વધુ વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ૧૬ ટકાની ઘટ
રાજ્યમાં વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે, જેના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ ચિત્ર ઉપસી રહ્યું છે:
- ગુજરાત સીજન: આ વિસ્તારમાં વરસાદે સારો એવો મિજાજ બતાવ્યો છે. અહીં સામાન્ય રીતે ૫૭૦ મિમી વરસાદ પડવો જોઈએ, પરંતુ તેની સામે અત્યાર સુધીમાં ૭૩૦ મિમી એટલે કે સામાન્ય કરતાં પૂરા ૨૮ ટકા વધુ વરસાદ નોંધાયો છે.
- સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર: આ પ્રદેશના ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે કે અહીં હજુ પણ વરસાદની ખાધ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય ૩૩૯.૭ મિમીની સરખામણીએ માત્ર ૨૫૦ મિમી જ વરસાદ નોંધાયો છે, જેના કારણે આ ક્ષેત્રમાં હજુ પણ ૧૬ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
Rain Alert in Gujarat: આગામી દિવસોમાં ખેડૂતો અને નાગરિકો માટે હવામાનની સ્થિતિ
હવામાન વિભાગની આ આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણમાં પવનની ગતિ વધુ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વીજળીના કડાકા વખતે ખુલ્લા ખેતરોમાં કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ પૂરતા વરસાદની રાહ જોવાઈ રહી છે, જેથી ત્યાંના ખેડૂતોની નજર આગામી સમયમાં મેઘરાજાની કૃપા પર રહેશે.
આ પણ વાંચો :ભરૂચ જિલ્લાના જંબુસરના કહાનવા ગામે અરેરાટી: તલાવડીમાં ડૂબી જવાથી વૃદ્ધ મહિલાનું કરૂણ મોત