Tragic Road Mishap: કુખ્યાત માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહેમદના પરિવાર પર વધુ એક આફત આવી પડી છે. અતીક અહેમદના પુત્રનું એક ભીષણ માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. અતીકનો 21 વર્ષીય પુત્ર અબાન અહેમદ ઝાંસી જેલમાં બંધ તેના મોટા ભાઈ અલી અહેમદને મળવા માટે કાર લઈને જઈ રહ્યો હતો, તે દરમિયાન ઝાંસી-કાનપુર હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અબાન અહેમદ અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tragic Road Mishap: પ્રાણીને બચાવવા જતા સર્જાયો અકસ્માત:

પ્રાપ્ત માહિતી અનુસાર, અબાન અહેમદ ગુરુવારે સવારે આશરે 10:30 વાગ્યે પોતાના મિત્રો સાથે પ્રયાગરાજથી ઝાંસી જવા માટે નીકળ્યો હતો. તેઓ જે કારમાં સવાર હતા તેમાં કુલ 5 લોકો બેઠા હતા. ગાડી અબાનનો મિત્ર સોનુ ચલાવી રહ્યો હતો જ્યારે અબાન અહેમદ આગળની સીટ પર બેઠો હતો.
સફર દરમિયાન જ્યારે કાર ઝાંસી-કાનપુર હાઈવે પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક હાઈવે પર કોઈ પ્રાણી આવી ગયું હતું. અકસ્માત ટાળવા અને પ્રાણીને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાપબ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબૂ બનેલી કાર ધડાકાભેર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.
Tragic Road Mishap: કારનો દરવાજો તોડીને ઈજાગ્રસ્તોને બહાર કઢાયા:

અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કડૂસ થઈ ગયો હતો અને ગાડી અંદરથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચેય યુવકો અંદર જ ફસાઈ ગયા હતા. હાઈવે પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ આ ઘટના જોઈને તુરંત જ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ પૂંછ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવીને ગેસ કટર કે દરવાજો તોડીને કારમાં ફસાયેલા પાંચેય યુવકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા.
Tragic Road Mishap: બેના મોત, ત્રણ ઘાયલ:

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ અબાન અહેમદ અને ડ્રાઈવર સોનુને મૃત જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં અબાન અને સોનુના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે તેમના મૃત્યુનું કારણ બની હતી.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ યુવકોની ઓળખ ઉમર અહેમદ, મોહમ્મદ ઝૈદ અને અસલમ તરીકે થઈ છે. હાલ આ ત્રણેય ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ છે.

જેલમાં બંધ ભાઈને મળવાની ઈચ્છા અધૂરી રહી:

અતીક અહેમદ અને તેના પરિવારના સભ્યો છેલ્લા કેટલાક સમયથી ફોજદારી કેસો અને જેલની સજાના કારણે ચર્ચામાં રહ્યા છે. અબાન અહેમદ ઝાંસી જેલમાં બંધ તેના મોટા ભાઈ અલી અહેમદને મળવા માટે ખૂબ જ આતુર થઈને જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ કાળે તેની આ સફર કાયમ માટે અટકાવી દીધી હતી. આ દુખદ સમાચાર મળતા જ અતીક અહેમદના પરિવારમાં અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતકોના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત વિજય કોમ્પલેક્ષમાંથી ગેસના બાટલા ચોરી થવાની ઘટના સીસીટીવીમાં કેદ