Balasinor Pollution Crisis: મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલી TSDF (Treatment, Storage, and Disposal Facility) સાઈટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણથી ત્રસ્ત આસપાસના 29 ગામના ગ્રામજનો આજે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરીએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોતાની સાથે પ્રદૂષિત પાણીની બોટલો ભરીને લાવીને તંત્ર સામે ગંભીર પુરાવા રજૂ કર્યા હતા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
Balasinor Pollution Crisis: શું છે સમગ્ર મામલો?
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ દ્વારા સંચાલિત આ સાઈટમાંથી નીકળતા ઝેરી કેમિકલયુક્ત પાણીને કારણે જમીયતપુરા સહિતના 29 ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
Balasinor Pollution Crisis: ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપો:

- ભૂગર્ભ જળ પ્રદૂષિત: ગામના કૂવા અને બોરવેલનું પાણી પીવાલાયક રહ્યું નથી, જેના કારણે ગ્રામજનો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
- ખેતીની જમીન બંજર: કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળતા જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે અને બંજર બની રહી છે.
- પશુપાલન પર અસર: ઝેરી પાણી પીવાથી પશુઓમાં પણ વિવિધ રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેના કારણે પશુપાલકોની આજીવિકા છીનવાઈ રહી છે.
- તંત્રની બેદરકારી: કંપનીની મનમાની અને GPCBની નિષ્ક્રિયતાને કારણે આ પ્રદૂષણ બેકાબૂ બન્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
Balasinor Pollution Crisis: ગ્રામજનો અને આગેવાનોનો આક્રોશ
આ રજૂઆત દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ગ્રામજનોની સાથે જોડાયા હતા અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. રજૂઆતકર્તા રામસિંહ પરમાર અને ચન્દ્રસિંહ ડાભીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જો તાત્કાલિક આ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.”
વધુ સમાચાર વાંચવા માટે નહીં ક્લિક કરો: પોળો ફોરેસ્ટમાં ગોઝારો રવિવાર, હરણાવ નદીમાં ડૂબવાથી ટીંટોઈના બે યુવકોના મોત




