Kheda Breaking: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામમાં એક ૨૯ વર્ષીય ક્ષત્રિય યુવાનના રહસ્યમય મોતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગત ૧૪ જૂનના રોજ પહાડ ગામની સીમમાં રેલવે ટ્રેક નજીકથી ભરત ચૌહાણ નામના યુવકની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલે ટ્રેનની અડફેટે આવવાથી અકસ્માતે મોત થયું હોવાનો ગુનો નોંધી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હવે મૃતકના પરિવારે પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
Kheda Breaking: પરિવારનો આક્ષેપ: ‘દીકરો કાયર ન હતો, તેની હત્યા કરાઈ છે’
મૃતક ભરત ચૌહાણના પરિવારજનો પોલીસની અકસ્માતની થિયરી સ્વીકારવા તૈયાર નથી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમનો દીકરો આત્મહત્યા કરે તેવો નબળા મનનો ન હતો. જે સંજોગો અને સ્થિતિમાં ભરતની લાશ મળી આવી છે, તે જોતાં તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા પ્રબળ બની રહી છે.
Kheda Breaking: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
આ કેસમાં પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ સામે આવ્યા બાદ પરિવારની આશંકાને વધુ બળ મળ્યું છે. રિપોર્ટ અનુસાર, ભરતનું મોત માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે થયું છે. આ ઉપરાંત તેના શરીર પર, ખાસ કરીને હાથ, પેટ અને ચહેરાના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે. આ પુરાવાઓને આધારે પરિવારનો આક્ષેપ છે કે કોઈ અજાણ્યા શખ્સોએ ભરતને ક્રૂરતાપૂર્વક માર મારી તેની હત્યા કરી દીધી છે અને પુરાવાનો નાશ કરવા માટે લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી છે.
Kheda Breaking: પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તેવી માંગ
આ મામલે મૃતક યુવાનના પિતા મોહન ચૌહાણ, માતા સરોજબેન ચૌહાણ અને તેમના કાકાના દીકરા નટવર ચૌહાણે ન્યાયની ગુહાર લગાવી છે. પરિવારે માંગ કરી છે કે પોલીસ આ કેસને માત્ર અકસ્માત ગણીને સંતોષ ન માને, પરંતુ હત્યાની દિશામાં કડક અને ઉંડાણપૂર્વક તપાસ કરે જેથી સત્ય સામે આવી શકે અને દોષિતોને સજા થાય.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: યુરોપમાં હીટવેવનો હાહાકાર ફ્રાન્સમાં ‘રેડ એલર્ટ’, પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને ગરમીથી 40થી વધુના મોત




