Tension in Jamnagar: જામનગર શહેરના ગોવાળ મસ્જિદ અને દરગાહ નજીક આજે એક અકસ્માતને પગલે ભારે તંગદિલી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. મસ્જિદ નજીકથી પસાર થઈ રહેલા તાજીયાને એક ઓટો રિક્ષાએ ટક્કર મારતા મામલો ગરમાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓના મોટા ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી.
Tension in Jamnagar: અકસ્માત બાદ સ્થિતિ તંગ: રિક્ષા ચાલક પર હુમલો અને તોડફોડ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાળ મસ્જિદ અને દરગાહ પાસે ધાર્મિક માહોલ વચ્ચે તાજીયા જઈ રહ્યા હતા, તે દરમિયાન એક ઓટો રિક્ષાના ચાલકે તાજીયાને ટક્કર મારી દીધી હતી. આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકો ભારે ઉશ્કેરાઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ ઓટો રિક્ષાના ચાલકને પકડી લીધો હતો અને તેને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા લોકોએ ઓટો રિક્ષામાં ભારે તોડફોડ કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Tension in Jamnagar: પોલીસે તુરંત પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી

ઘટનાની ગંભીરતા અને કોમી સંવેદનશીલતાને જોતા જામનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા ટોળાને વિખેર્યું હતું અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવીને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી.
Tension in Jamnagar: પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલ ખસેડાયો

ટોળાના હુમલામાં ઘાયલ થયેલા રિક્ષા ચાલકને પોલીસે વધુ મારથી બચાવી પોતાની કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાલમાં ઘટનાસ્થળે શાંતિનો માહોલ છે અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અકસ્માત જાણીજોઈને કરવામાં આવ્યો હતો કે બ્રેક ફેલ થવાને કારણે કે અન્ય કોઈ કારણસર થયો હતો, તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરામાં હૃદયદ્રાવક ઘટના, કામ ન ફાવતાં હતાશ થયેલા લખનઉના યુવકે બ્રિજ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો, રાહદારીઓએ દેવદૂત બની જીવ બચાવ્યો




