Drama on Vadodara Bridge: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી બ્રિજ પરથી એક યુવકે માનસિક હતાશામાં આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જોકે, હાઇવે પરથી પસાર થતા રાહદારીઓએ સમયસૂચકતા વાપરીને યુવકને સમજાવી રેલિંગ પરથી નીચે ઉતારી લીધો હતો, જેના કારણે એક નિર્દોષ યુવકનો જીવ બચી ગયો હતો.

Drama on Vadodara Bridge: લખનઉથી POPનું કામ શીખવા વડોદરા આવ્યો હતો યુવક
એસીપી (ACP) પ્રણવ કટારીયાએ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સચિન ચૌહાણ નામનો આ યુવક ઉત્તર પ્રદેશના લખનઉથી વડોદરા આવ્યો હતો. તે વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે પી.ઓ.પી. (POP) નું કામ શીખી રહ્યો હતો. પરંતુ, તેને અહીં કામ ફાવતું ન હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી ભારે ફ્રસ્ટ્રેશન (માનસિક હતાશા) માં સરી પડ્યો હતો અને વતન જવા માગતો હતો.

Drama on Vadodara Bridge: મધરાતે બ્રિજ પર હલચલ મચી, રાહદારીઓ દેવદૂત બન્યા
બુધવારે (24 જૂન) મોડી રાત્રે સચિન માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પર પહોંચ્યો હતો. તે ત્યાં આવતા-જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હતો અને બ્રિજ પરથી કૂદવા માટે રેલિંગ પર ચઢી ગયો હતો. આસપાસથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન પડતાં જ તેઓ તરત જ ત્યાં રોકાઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો તેને ખૂબ જ શાંતિથી સમજાવી રહ્યા હતા. લાંબી સમજાવટ બાદ કેટલાક યુવકોએ તેને પકડીને રેલિંગ પરથી સુરક્ષિત નીચે ઉતાર્યો હતો.

કોઈ ગુનાહિત કૃત્ય નથી, હતાશાના કારણે પગલું ભર્યું: પોલીસ બ્રિજ પરથી નીચે ઉતાર્યા બાદ રાહદારીઓ યુવકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. સચિને રડતા રડતા પોલીસને જણાવ્યું હતું કે, “મારે હવે અહીં નથી રહેવું, મારે મારા ઘરે પાછા જવું છે.”
Drama on Vadodara Bridge: ઘટનાનો આવ્યો સુખદ અંત: યુવક વતન રવાના
યુવકની માનસિક સ્થિતિ અને તેની ઘરે જવાની જીદને જોતા પોલીસે કોન્ટ્રાક્ટરને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. સચિનની ઈચ્છા મુજબ, કોન્ટ્રાક્ટરે ગુરૂવારે સવારે જ તેને ટ્રેન મારફતે તેના વતન લખનઉ જવા માટે રવાના કરી દીધો હતો.
પોલીસે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ બનાવમાં કોઈ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું નથી. આ માત્ર એક વ્યક્તિની માનસિક હતાશાને કારણે બનેલી ઘટના હતી, જેનો રાહદારીઓ અને પોલીસની સતર્કતાથી સુખદ અંત આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




