Gujarat Monsoon Update: ગુજરાતમાં સત્તાવાર રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની અને ચોમાસું વધુ આગળ વધવાની સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે.

Gujarat Monsoon Update: પહેલા જ વરસાદે નર્મદાને ઘમરોળ્યું: રસ્તાઓ બંધ, નદીઓ છલકાઈ
નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા પંથકમાં પહેલા જ વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી દીધી છે.
- નદીઓમાં ઘોડાપૂર: ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં પ્રચંડ ઘોડાપૂર આવતાં પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા છે. જેના કારણે ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતો આખો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
- વીજળી પડતાં પશુનું મોત: ડેડિયાપાડાના દાબકા ગામમાં ભારે ગાજવીજ સાથે વીજળી પડતાં એક ભેંસનું મોત નીપજ્યું છે, જ્યારે નીચાણવાળા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

Gujarat Monsoon Update: દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે: માછીમારોને ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જૂન સુધી રાજ્યમાં મેઘગર્જના અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
Gujarat Monsoon Update: 7 દિવસની હવામાન વિભાગની આગાહી: ક્યાં કેવો રહેશે માહોલ?
- 25 જૂન (આજે): દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે), ઉત્તર ગુજરાતના પંચમહાલ-દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે.
- 26 જૂન: વરસાદનું જોર થોડું ઘટશે. નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ હળવો વરસાદ રહેશે.
- 27 જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે.
- 28 જૂનથી 1 જુલાઈ: અઠવાડિયાના અંતમાં વરસાદ ફરી વ્યાપ પકડશે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
Gujarat Monsoon Update: અમદાવાદમાં અસહ્ય બફારો યથાવત્, સાંજે વરસાદની સંભાવના
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદના એક-બે રાઉન્ડ પડી શકે છે. જો કે, શહેરીજનોને ગરમી અને બફારામાંથી હાલ મોટી રાહત મળે તેવા અણસાર નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં +2.5°C ઊંચું એટલે કે 40.4°C અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં +1.6°C વધુ એટલે કે 29.2°C નોંધાયું છે, જેના કારણે અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




