Panic in Bagasra: અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વન્યજીવોના હુમલાની ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે. આવી જ એક હૃદયકંપાવનારી ઘટના બગસરા શહેરમાંથી સામે આવી છે, જ્યાં મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા એક હિંસક દીપડાએ ૧૦ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી દીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના લોકોમાં ભારે ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે.
Panic in Bagasra: મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યો કાળમુખો દીપડો
મળતી માહિતી મુજબ, બગસરાના હુડકો વિસ્તારમાં મોડી રાત્રિના સમયે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે અચાનક એક દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ ત્યાં હાજર કુમારભાઈ વિકુભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૧૦) નામના બાળક પર અચાનક હુમલો કરી દીધો હતો. બાળકની ચીસાચીસ અને હોબાળો સાંભળીને પરિવારજનો તેમજ આસપાસના રહીશો તાત્કાલિક જાગી ગયા હતા. લોકો એકઠા થઈ જતાં અને દેકારો મચાવતા દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને અંધારામાં નાસી છૂટ્યો હતો.
Panic in Bagasra: સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો

દીપડાના આ હિંસક હુમલામાં ૧૦ વર્ષના માસૂમ કુમારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકને સૌપ્રથમ સારવાર અર્થે બગસરાની સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે, તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ અને સઘન સારવાર માટે તેને તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તબીબોની ટીમ તેની સારવાર કરી રહી છે.
Panic in Bagasra: વન વિભાગ દોડતું થયું: દીપડાને પાંજરે પૂરવા તજવીજ શરૂ
રહેણાંક વિસ્તારમાં દીપડાના હુમલાની વન વિભાગને જાણ કરાતા બગસરા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા હુડકો વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાના સગડ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે. માનવભક્ષી બનેલા આ દીપડાને વહેલી તકે પકડી લેવા માટે વન વિભાગ દ્વારા અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવવાની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ રિવરફ્રન્ટ પર મેગા યોગોત્સવ, ‘Yoga for Healthy Aging’ થીમ પર હજારો અમદાવાદીઓએ એકસાથે કર્યા યોગ




