Shocking Crime in Rajkot: રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના અણબનાવ અને પારિવારિક કલેશનો અંત અત્યંત કરુણ આવ્યો છે. મૂળ વેરાવળના એક શખ્સે પત્ની પરના ગુસ્સાની અદાવત રાખીને પત્નીના વૃદ્ધ નાના પર છરી વડે તૂટી પડી તેમને મોતને ઘાટ ઉતાર્યા છે, જ્યારે વચ્ચે બચાવવા પડેલા નાની પર પણ જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે.
Shocking Crime in Rajkot: ઘરમાં ખેલાયો ખૂની ખેલ: નાનાનું ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી મુજબ, મૂળ વેરાવળના રહેવાસી આરોપી વિવેક ગોસ્વામીના તેની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા. પત્નીને ઘરે પાછી લાવવા માટે વિવેક અવારનવાર ધાક-ધમકીઓ આપતો હતો. શનિવારે (૧૩ જૂન) મોડી રાત્રે ઉશ્કેરાયેલો આરોપી વિવેક વિમલનગરમાં આવેલા પત્નીના નાના પ્રવિણભાઈ શાહના ઘરે ધસી ગયો હતો.
લોહીલુહાણ દ્રશ્યો: એ સમયે વિવેકની પત્ની ત્યાં હાજર નહોતી અને પુષ્કરધામમાં પોતાના માતાના ઘરે હતી. ઘરમાં માત્ર વૃદ્ધ નાના-નાની જ હાજર હતા. વિવેકે કાંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધ નાના પ્રવિણભાઈ શાહ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે પ્રવિણભાઈ આખખા ઘરમાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.
Shocking Crime in Rajkot: નાનીને ગળાના ભાગે ઈજા, હોસ્પિટલ ખસેડાયા
પતિને બચાવવા વચ્ચે પડેલા પત્નીના નાની પર પણ સાયકોપેથ જમાઈએ દયા ન ખાધી અને તેમના પર પણ છરીથી હુમલો કર્યો હતો. નાનીને ગળાના ભાગે છરી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. લોહીથી લથપથ નાનીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ પ્રોટેક્શનની અરજી છતાં તંત્રની નિષ્ક્રિયતા?
આ સમગ્ર મામલામાં પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ આરોપી વિવેકના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પરિવારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષણ મેળવવા માટે લેખિત અરજી પણ કરી હતી. જોકે, પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી, જેના કારણે આરોપીના હોસલા બુલંદ થયા અને આખરે આ હત્યાકાંડ સર્જાયો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે, આરોપી ફરાર
હત્યાની સનસનાટીભરી વિગતો મળતા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક વિમલનગર ખાતે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એફએસએલ (FSL)ની મદદ લઈને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી, કાયદાકીય ચક્રો ગતિમાન કર્યા છે અને ઘટના બાદ ફરાર થઈ ગયેલા હત્યારા જમાઈ વિવેક ગોસ્વામીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.




