Operation Mule Hunt 2.0:ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસે આશરે ₹310 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસના ઇતિહાસમાં આ સૌથી મોટી સાયબર ક્રાઈમ કાર્યવાહી માનવામાં આવી રહી છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે NCCRP અને સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ પોલીસના રડારમાં આવ્યા હતા.

Operation Mule Hunt 2.0:બે બેંક ખાતામાંથી જ ₹310 કરોડની હેરફેર
તપાસમાં સામે આવ્યું કે બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના બે ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈથી મેળવેલી રકમના ટ્રાન્સફર માટે કરવામાં આવતો હતો. બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતા સાથે NCCRP પોર્ટલ પર નોંધાયેલી 193 ફરિયાદો જોડાયેલી મળી હતી, જેમાં અંદાજે ₹282 કરોડના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે ₹37 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ માત્ર આ બે ખાતાઓ મારફતે જ કુલ ₹310 કરોડથી વધુની રકમની હેરફેર કરવામાં આવી હતી. ખાતાધારકો કમિશનની લાલચે પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ઉપયોગ માટે આપતા હતા, જેને સાયબર ક્રાઈમની ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

Operation Mule Hunt 2.0:દેશભરના 290 લોકો બન્યા શિકાર
તપાસમાં ખુલાસો થયો છે કે આ નેટવર્ક દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે 290 નાગરિકોને ઓનલાઈન ઠગાઈનો ભોગ બનાવવામાં આવ્યા હતા. રોકાણ પર ઊંચા વળતરની લાલચ, ઓનલાઈન ટાસ્ક અને અન્ય ડિજિટલ છેતરપિંડી દ્વારા કરોડો રૂપિયા એકત્ર કરી આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
Operation Mule Hunt 2.0:ડિજિટલ પુરાવાના આધારે 5 આરોપીઓની ધરપકડ
સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ડિજિટલ પુરાવા અને પૂછપરછના આધારે અલગ-અલગ ટીમો બનાવી વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં દરોડા પાડીને વધુ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં **આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ)**નો સમાવેશ થાય છે.
પોલીસ હાલમાં આરોપીઓના અન્ય સાગરીતો, નાણાકીય વ્યવહારો અને સમગ્ર આંતરરાજ્ય સાયબર નેટવર્કની કડીઓ શોધવા વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો :અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની આજે પ્રથમ વરસી: ન્યાય અને જવાબોની રાહમાં પરિવારજનો, સાંજે કેન્ડલ માર્ચનું આયોજન




