Gujarat HC Reprimands Yusuf Pathan: ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરામાં સરકારી પ્લોટ પર કથિત ગેરકાયદે કબજો જમાવવાના મામલે કાયદાકીય મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા યુસુફ પઠાણનો જોરદાર ઉધડો લીધો છે. વડોદરાના પોશ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પર કોઈપણ પ્રકારની હરાજી વિના કબજો જમાવવા બદલ હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પઠાણની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, “તમે પ્લોટ પર કબજો કર્યો કેવી રીતે? એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી પાસેથી આવી આશા બિલકુલ રાખી શકાય નહીં.”

Gujarat HC Reprimands Yusuf Pathan: કરોડોની કિંમતનો કયો પ્લોટ છે વિવાદમાં?
આ સમગ્ર વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કિંમતી જમીનનો છે. તાંદલજાના શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી ‘આંગણ સોસાયટી’ નજીક ટીપી સ્કીમ નંબર ૨૨ (TP Scheme No. 22) નો ફાઇનલ પ્લોટ નંબર ૯૦ આવેલો છે. રહેણાક હેતુ માટેની આ આશરે ૯૭૮ ચોરસ મીટર જમીન સરકારી માલિકીની છે. યુસુફ પઠાણ પર આરોપ છે કે તેમણે આ સરકારી પ્લોટ પર વડોદરા મહાનગરપાલિકા (VMC) કે રાજ્ય સરકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પોતાનો કબજો જમાવી દીધો હતો.

Gujarat HC Reprimands Yusuf Pathan: ૨૦૨૪ થી શરૂ થયેલો કાનૂની જંગ
જો આ કેસના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૪ માં રાજ્ય સરકાર સમક્ષ યુસુફ પઠાણ દ્વારા આ સરકારી પ્લોટ તેમને ફાળવી દેવા માટે એક સત્તાવાર અરજી કરવામાં આવી હતી. જોકે, સરકારે કોઈપણ જાહેર હરાજી વિના આ રીતે કિંમતી જમીન ફાળવવાનો સ્પષ્ટ ઈનકાર કરીને તેમની અરજી નકારી કાઢી હતી. સરકારના આ નિર્ણય સામે યુસુફ પઠાણે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. પરંતુ, સિંગલ જજે પણ જમીન પરના દબાણને અયોગ્ય ઠેરવીને તેમની અરજી ફગાવી દીધી હતી.
સિંગલ જજના આ ચુકાદાને પડકારતા યુસુફ પઠાણે હાઈકોર્ટની બેન્ચ (ખંડપીઠ) સમક્ષ ‘લેટર્સ પેટન્ટ અપીલ’ (LPA) દાખલ કરી હતી, જેના પર હાલ સુનાવણી ચાલી રહી છે.
Gujarat HC Reprimands Yusuf Pathan: કોર્ટે આપ્યો જમીન ખાલી કરવાનો અને નુકસાની ભરવાનો નિર્દેશ
હાઈકોર્ટની ખંડપીઠે આ કેસની ગંભીરતાને જોતા પૂર્વ ક્રિકેટર પ્રત્યે કોઈ નરમાશ દાખવી નથી. કોર્ટે યુસુફ પઠાણને વહેલી તકે આ વિવાદિત સરકારી જમીન ખાલી કરવા માટે આકરા નિર્દેશો આપ્યા છે. આ સાથે જ, અત્યાર સુધી સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ જે પણ સરકારી નુકસાન થયું છે, તેની ભરપાઈ (કોમ્પેન્સેશન) કરવા અંગે પણ કોર્ટે આદેશ કર્યો છે.
હાઈકોર્ટે આ હાઈપ્રોફાઈલ જમીન વિવાદના કેસની આગામી સુનાવણી ૧૫ જૂન પર મુલતવી રાખી છે. હવે જોવાનું એ રહેશે કે ૧૫ જૂનની આગામી સુનાવણીમાં યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં શું બચાવનામું રજૂ કરવામાં આવે છે અને હાઈકોર્ટ આ મામલે શું આખરી ચુકાદો આપે છે. વડોદરાના આ હાઈપ્રોફાઈલ કેસ પર હાલ સમગ્ર ગુજરાતની નજર મંડાયેલી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




