Visnagar BJP Councillor Dies by Suicide:મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૧ના ભાજપના અગ્રણી નગરસેવક અને પાલિકામાં પક્ષના નેતા દીપકભાઈ મોદીએ આજે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે.

Visnagar BJP Councillor Dies by Suicide:વહેલી સવારે બની ઘટના
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ કાળજું કંપાવી દેનારી ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની અડફેટે આવવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.
Visnagar BJP Councillor Dies by Suicide:નગરપાલિકામાં બિનહરીફ વિજેતા બન્યા હતા

દીપકભાઈ મોદી વિસનગરના સ્થાનિક રાજકારણમાં જાણીતો ચેહરો હતા. તેઓ વિસનગર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર-૧માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. સંગઠન અને પક્ષમાં તેમની મજબૂત પકડને કારણે તેમને પાલિકામાં શાસક પક્ષના નેતા તરીકેની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
હોસ્પિટલ ખાતે ભાજપના કાર્યકરોની ભીડ

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સમર્થકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલવે અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
પાલિકાના નેતાના આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ, સાથી નગરસેવકો તેમજ અસંખ્ય કાર્યકરો વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. દીપકભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પોલીસ હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો :ટ્વિશા કેસમાં ચોંકાવનારો ખુલાસો: તપાસના દસ્તાવેજો આરોપીઓ સુધી પહોંચ્યા, પુરાવા સાથે છેડછાડની આશંકા




